Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ કરાતાં જ વિવાદ

દર્દીના સગાએ જાતે બાઇપેપ લગાવ્યું : નરોડાના દર્દીને યોગ્ય સારવાર ન આપવામાં આવતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે

અમદાવાદ, તા. ૧૧ : રાજ્યમાં સતત વધી રહેલા કોવિડ-૧૯ ના કેસોના લીધે તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ-૧૯નું સંક્રમણ કાબૂમાં રહે અને સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીથી કોરોના મહામારી અટકાયતના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે તાજેતરમાં કોરોનાના દર્દીઓ માટે ગઇકાલથી વીએસ હોસ્પિટલ શરૂ કરાઇ છે. અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતાં વિવાદ સામે આવ્યો છે. નરોડાના દર્દીને યોગ્ય સારવાર ન આપવામાં આવતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

દર્દીના સગાએ કહ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં સ્ટાફ છતાં મે મારા હાથે સાસુને બાપેપપ લગાવ્યું હતું તથા મારા સાસુને મેં જાતે જ ઇંન્જેક્શન આપ્યું હતું. રાત્રે કોવિડ સેન્ટરને સ્ટાફ આરામ ફરમાવે છે પણ સારવાર કરવામાં આવતી નથી. જો સમયસર સારવાર મળી હોત તો મારા સાસુનું મોત ના થાત, આખરે સારવાર ન મળી અને મારા સાસુનું મોત થયું હતું.

સવારે ૮ વાગે મારા સાસુનું મોત થયું છે. ડેડબોડી વાન નથી એમ કહીને હજુ સુધી મૃતદેહ આપતા નથી. ૭ કલાક બાદ હવે ડેડબોડી વાન મળી છે. આમ સતત ઇંજેક્શન, ઓક્સિજન તથા સારવારના અભાવ હોવાનું સામે આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ ૧૫ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ હેલ્થ સેન્ટરની પરવાનગી આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વધુ ૨૩૫ બેડ ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા દર મુજબ દર્દીઓને સારવાર આપવામાં આવશે.

(9:07 pm IST)