Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમદાવાદના રેન્જ આઇ.જી. કેશરીસિંહ ભાટીનું હૃદયરોગના હુમલાથી નિધન : પોલીસ બેડામાં શોક

પેટના દર્દને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલ : સારવાર દરમિયાન એટેક : સિનિયર આઇ.પી.એસ. એવા અધિકારીએ બરોડા સહિત વિવિધ સ્થળોએ યશસ્વી ફરજ બજાવી હતી

રાજકોટ તા. ૧૧ : રાજયના સીનીયર કક્ષાના આઇપીએસ અને અમદાવાદના રેન્જ વડા આઇજીપી કેશરીસિંહ ભાટીનું આજરોજ હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ નિધન થયાના સમાચારથી ઉચ્ચ અધિકારી અને પોલીસ તંત્રમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગઇકાલે તેઓને પેટમાં દુઃખાવો થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એ દરમિયાન આજે સારવાર દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો (એટેક) આવતા તેઓની આંખો સદાને માટે મીચાઇ ગઇ હતી.

કેશરીસિંહ ભાટીએ રાજયમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવવા સાથે છેલ્લે વડોદરામાં તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સહયોગી તરીકે તેઓની સાથે રહી અનેક પડકારજનક તેમજ ગંભીર ગુન્હાઓનો ભેદ ઉકેલી ભારે પ્રસંશા મેળવી હતી.

સ્વ. કેશરીસિંહ ભાટીના ભાઇ, સિદ્ઘરાજસિંહ ભાટી પણ આઇપીએસ અધિકારી હતા અને છેલ્લે સુરતમાં યશસ્વી કામગીરી બાદ નિવૃત થયા હતા.

(11:57 am IST)