Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

હાય રે બેરોજગારી :ભરૂચમાં ખાનગી કંપનીની 4 જગ્યા માટે સેંકડો ઉમેદવારો ઉમટ્યા : સ્થિતિ બેકાબુ બનતા પોલીસ બોલાવવી પડી

ઇન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતા વધારે ઉમેદવારો એકત્ર થતા અફડાતફડી સર્જાઇ

ભરૂચ : સરકારી ભરતીમાં તો સેંકડો જગ્યાઓ માટે લાખો અરજીઓ આવતી હોય છે જો કે, ભરૂચમાં આજે એક ખાનગી કંપની દ્વારા ચાર જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની જાહેરાત આપતા 500 થી 700 જેટલા ઉમેદવારો ઉમટી પડ્યાં હતા. ઇન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતા વધારે ઉમેદવારો એકત્ર થતા અફડાતફડી સર્જાઇ હતી. જેના પગલે સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે ઇન્ટરવ્યુ સ્થળ પર આવી શક્તિ પ્રયોગ કરવાની જરૂર પડી હતી.

UPL -5 કંપનીએ પ્લાન્ટ ઓપરેટર, મિકેનિકલ, યુટીલિટી ઓપરેટર્સ અને મિકેનિકલ એન્જીનિયર્સની 5 પોસ્ટ માટે શુક્રવારે સવારે 9થી બપોરે 2 કલાક સુધી ઇન્ટરવ્યુંનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેર ABC છોકડી નજીક આવેલી લોર્ડસ રંગ ઇન હોટલમાં આયોજિત આ ઇન્ટરવ્યૂમાં વહેલી સવારથી જ જિલ્લા અને રાજ્યના બેરોજગાર યુવાનો રોજગારી મેળવવા માટે તુટી પડ્યા હતા. બેરોજગાર યુવાનો એટલા મોટા પ્રમાણમાં આવી ગયા હતા કે, સ્થિતિ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

હોટલની બહાર 500 થી 700 ઉમેદવારોના ટોળા જામતા કોરોના મહામારીમાં જાહેરનામા ભંગને લઇને સી ડિવિઝન પોલીસે એન્ટ્રી કરી હતી. રોજગાર માટે ઉમટી પડેલી યુવાનોની ભીડને વિખેરી પોલીસે ઇન્ટર્વ્યુ રાખનાર કંપની સત્તાધીશો અને હોટલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, કંપનીને પણ આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો આવશે તેવી આશા નહોતી

(12:51 am IST)