Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજ્યની શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ તરીકે સરકાર દ્વારા પસંદ કરાઈ : હવે સોમવારથી મૂલ્યાંકનની કામગીરી

સ્કૂલ ઈન્સ્પેક્ટર્સની સંખ્યા પર્યાપ્ત માત્રામાં ન હોવાથી અન્ય જિલ્લામાંથી સ્કૂલ ઈન્સ્પેક્ટર્સને મુલ્યાંકન માટે મોકલવાનો નિર્ણય

ગાંધીનગર : રાજ્યની શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ તરીકે સરકાર દ્રારા પસંદ કરાઈ છે હવે આ શાળાઓનું મુલ્યાંકન કરવાનું નક્કી કરાયું છે. આ માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા શાળાઓના એક્રેડિટેશનનું કાર્ય કરવામાં આવશે. સ્કૂલ ઈન્સ્પેક્ટર્સ દ્વારા શાળાઓનું તબક્કાવાર મુલ્યાંકન કરાશે. જેની શરૂઆત સોમવારથી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જોકે, રાજ્યના અનેક જિલ્લામાં સ્કૂલ ઈન્સ્પેક્ટર્સની સંખ્યા પર્યાપ્ત માત્રામાં ન હોવાથી અન્ય જિલ્લામાંથી સ્કૂલ ઈન્સ્પેક્ટર્સને મુલ્યાંકન માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી પામેલી શાળાઓના મુલ્યાંકન માપદંડો પૈકીનો એક માપદંડ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સીલ (GSQAC) દ્વારા થતાં સ્કૂલ એક્રેડિટેશનનું પરિણામ છે. જેથી GSQAC દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી પામેલી શાળાઓના એક્રેડિટેશનનું કાર્ય કરવાનું નક્કી કરાયું છે. GSQACમાં કાર્યરત સ્કૂલ ઈન્સ્પેક્ટર્સ દ્વારા સ્કુલ્સ ઓફ એક્સેલન્સ શાળાઓનું તબક્કાવાર મુલ્યાંકન કરવામાં આવશે. જેની શરૂઆત 13 સપ્ટેમ્બર, 2021 સોમવારના રોજથી કરવામાં આવશે.

સ્કુલ્સ ઓફ એક્સેલન્સ શાળાઓના મુલ્યાંકન માટે સ્કૂલ ઈન્સ્પેક્ટર્સને શાળાઓની ફાળવણી રાજ્ય કક્ષાએથી કરવામાં આવશે. અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, મહીસાર, નર્મદા અને તાપી જેવા જિલ્લામાં સ્કૂલ ઈન્સ્પેક્ટર્સની સંખ્યા પર્યાપ્ત નથી, તેવા જિલ્લાઓમાં અન્ય જિલ્લાના સ્કૂલ ઈન્સ્પેક્ટર્સને કામગીરીમાં જોડવામાં આવશે. અન્ય જિલ્લામાંથી આવનારા સ્કૂલ ઈન્સ્પેક્ટર્સની તેમને કામગીરી માટે ફાળવેલા તાલુકામાં નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરવાની રહેશે તેવી સુચના આપવામાં આવી છે.

આમ, સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનું પણ મુલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ તેમને એક્રેડિટેશન આપવામાં આવશે. આ માટે શાળાઓની યાદી અને સ્કૂલ ઈન્સ્પેક્ટર્સની યાદી હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ અંગે જીસીઈઆરટી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યોને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલ્સ ઓફ એક્સેલન્સની શાળાઓનું અક્રેડિટેશનની કામગીરી કરવા અંગેની માહિતી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(12:02 am IST)