Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ : જીત માટે ઉમેદવારોની સાથે સમર્થકોએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું

ત્રણ દિવસની રજા મળી જતાં ઉમેદવારોનું પ્રચાર કાર્ય હજુ વધુ વેગ પકડશે:ઠેર ઠેર મીટીંગો અને અધિવેશનો યોજવા ઘડાતા આયોજનો

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 બેઠકોની ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત બાદ પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ઉમેદવારો અને સંગઠન દ્વારા મતદાન પહેલા વધુમાં વધુ મતદારો સુધી પહોંચી શકાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ઉપરાંત સોશિયલ મિડીયાના માધ્યમથી પણ પ્રચાર શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. આમ, લાંબા સમય બાદ યોજાનારી ચૂંટણીને લઈને શિક્ષણ જગતમાં માહોલ ગરમાયો છે અને સંગઠનો દ્વારા પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ માટે મંડળના હોદ્દેદારો મેદાનમાં ઉતર્યા છે અને પ્રચાર શરૂ કર્યો છે. તેમાંય વળી આજથી ત્રણ દિવસની રજા મળી જતાં ઉમેદવારોનું પ્રચાર કાર્ય હજુ વધુ વેગ પકડશે. ઠેર ઠેર મીટીંગો અને અધિવેશનો યોજવા માટેના આયોજનો થઇ રહ્યાં છે.

શિક્ષણ બોર્ડની 9 બેઠકો માટે ચૂંટણી યોજનાર હતી. જેમાં 9 બેઠકો માટે 72 જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 ફોર્મ ગેરમાન્ય રહ્યા બાદ 62 ઉમેદવારો બાકી રહ્યા હતા. આ પૈકી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના લીધે બી.એડ. કોલેજના પ્રિન્સીપાલની અને સરકારી હાઈસ્કૂલના શિક્ષકની બે બેઠકો બિન હરીફ થઈ હતી. જ્યારે બાકી રહેલી 7 બેઠકો માટે 24 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

હાલમાં શાળાના આચાર્યની બેઠક પર 3 ઉમેદવાર, માધ્યમિક શિક્ષક માટે 2 ઉમેદવારો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે 3 ઉમેદવાર, વહીવટી કર્મચારીની બેઠક માટે 2 ઉમેદવાર, વાલી મંડળની બેઠક માટે 4 ઉમેદવાર, ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય-શિક્ષકની બેઠક માટે 4 ઉમેદવાર અને સંચાલક મંડળની બેઠક માટે 6 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો હતો. જોકે, કોરોનાના કારણે આ ચૂંટણીમાં જેટલી પ્રક્રિયા પુર્ણ થઈ છે તે માન્ય રાખી બાકીની પ્રક્રિયા મોકુફ રાખી હતી.

રાજ્યમાં હવે કોરોનાનો ડર ઓછો થવાથી તથા વિવિધ ક્ષેત્રોમાં તબક્કાવાર ચૂંટણીઓની જાહેરાત સરકાર દ્વારા થઈ રહી છે ત્યારે શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈને પણ સત્તાવારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી 25 સપ્ટેમ્બરના રોજ બોર્ડના 7 સભ્યો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો દ્વારા પોતાના સંવર્ગના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મતદાન પહેલા વધુમાં વધુ મતદારોને મળી પોતાની તરફેણમાં મતદાન કરવા માટે સમજાવવાનું શરૂ કર્યું છે.

શિક્ષણ બોર્ડની ચૂંટણીના પડઘમને લઈને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી ચૂંટણીમાં માન્ય ઉમેદવારને જીતાડવા માટે સુચના આપી છે. આ માટે મંડળ દ્વારા રાજ્યમાં પ્રવાસ પણ શરૂ કરાયો છે. આ જ રીતે અન્ય મંડળો દ્વારા પણ પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(11:59 pm IST)