Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલનું અમદાવાદ એરપોર્ટ પર શાનદાર સ્વાગત

ભાવિના પટેલના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ માદરે વતન પહોંચ્યા છે. અમદાવાદ એરોપોર્ટ પર ભાવિના પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિના પટેલના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. એરપોર્ટ પર હાજર ભાઈઓ-બહેનો ભાવિનાના સ્વાગતમાં નાચતા જોવા મળ્યા હતા.

ભાવિાનાબેન પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ કલાસ 4ની મેચમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.  ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ફાઈનલમાં તેમની સ્પર્ધા ચીનની યિંગ ઝોઉ સાથે હતી પરંતુ તેની સામે તેણે હારનો સામનો કરવો પડયો અને એટલે તેની ઝોળીમાં સિલ્વર મેડલ આવ્યો. પણ અહીં સુધીની તેની સફર અનેક મહિલાઓને પ્રેરણા આપે તેવી રહી હતી. આ મેડલ સાથે જ ભાવિના પેરાલિમ્પિક ગેમ્સમાં દેશ માટે મેડલ લાવનારી બીજી મહિલા અને ટેબલ ટેનિસમાં આ કમાલ કરી બતાવનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ હતી.

મૂળ મહેસાણા જિલ્લાના સૂંઢિયા ગામની ભાવિના પટેલના પિતા આજેય અહીં કરિયાણાની નાનકડી દુકાન ચલાવે છે. ૬ નવેમ્બર ૧૯૮૬ના રોજ ભાવિનાનો જન્મ થયો તેના એક જ વર્ષ પછી તેને પોલિયો થયો હતો. એ સમયે પિતા હસમુખભાઈ પાસે એટલા પૈસા નહોતા કે દીકરીની સારવાર કરાવી શકે. એ સમય યાદ કરતા ભાવિના કહ્યુ હતુ કે, એ વખતે મને લાગતું હતું કે હવે જિંદગી ખતમ થઈ ગઈ છે. મારે ક્યાંય પણ જવું હોય તો પરિવારજનો મને ઉચકીને લઈ જતા. સ્કૂલે જવું હોય તો પિતા મને ઉચકીને છેક મૂકવા આવતા. આ બધું જોઈને ઘણીવાર મને ખૂબ જ નકારાત્મક વિચારો આવતા. ક્યારેક તો થતું કે હું પરિવારજનો માટે બોજ બની ગઈ છું. જો કે મારા પરિવારે કદી પણ મને એવો અહેસાસ થવા દીધો નથી અને એટલે જ હું અહીં સુધી પહોંચી શકી છું.

(10:40 pm IST)