Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પાલનપુરમાં ભારે વરસાદ: વેડંચાથી ઓઢા વચ્ચે પુલ પાસેનો માર્ગ તૂટી જતા 10 જેટલા ગામનો સંપર્ક વિહોણા

માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ : એક જ વર્ષમાં બીજી વાર આ માર્ગ તૂટી જતાં તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો

પાલનપુરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ બની છે. જેમાં વેડંચાથી ઓઢા વચ્ચે પુલ પાસેનો માર્ગ તૂટી જતા 10 જેટલા ગામનો સંપર્ક તૂટી ગયો છે. એક જ વર્ષમાં બીજી વાર આ માર્ગ તૂટી જતાં તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો છે.

પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી પાલનપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં પાલનપુર તાલુકાના વેડંચા થી ઓઢા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. પુલ પાસેનો માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

આ માર્ગ તૂટી જતા 10 જેટલા ગામો પણ અત્યારે સંપર્ક તૂટી ગયો છે, અને હવે આ સંપર્ક વિહોણા બનેલા ગામના લોકોએ 10 થી 12 કિલોમીટર ફરીને અવરજવર કરવાની નોબત આવી છે. આ માર્ગ તૂટી જતાં અહીંથી પસાર થતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

(10:37 pm IST)