Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

“હું તારી સાથે છું...તારી તકલીફમાં મદદરૂપ બની શકુ છું” સહાનૂભુતિભર્યા આ શબ્દો વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકે છે

અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ ખાતે "વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ" સંદર્ભે મીડિયા સંવાદ યોજાયો : આત્મહત્યા પ્રેરિત તત્વો અને વિચારો અટકાવવામાં મીડિયાની ભૂમિકા મહત્વની : ડૉ. અજય ચૌહાણ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :“હું તારી સાથે છું...તારી તકલીફમાં મદદરૂપ બની શકું છુ” સહાનૂભુતિભર્યા આ શબ્દો કોઇ વ્યક્તિ માટે જીવનરક્ષક બની શકે છે. આત્મહત્યાનો વિચાર કરનાર વ્યક્તિને આ શબ્દો આત્મહત્યા કરતા અટકાવી શકે છે. આજે અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં “વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ” સદંર્ભે મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. મીડિયાના માધ્યમથી આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
એક સર્વે પ્રમાણે દેશમાં દર એક લાખ વ્યક્તિએ ૧૧.૦૭ વ્યક્તિ આત્મહત્યા કરે છે. ગુજરાતમાં તેનુ પ્રમાણ ૧૧.૦૨ વ્યક્તિ છે. એન.સી.આર.બી.ના રેકર્ડ પ્રમાણે ગુજરાતમાં ૭૪૮૮ વ્યક્તિઓએ વર્ષ ૨૦૨૦માં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું તેમ અમદાવાદ મેન્ટલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. અજય ચૌહાણે કહ્યું હતુ.
ડૉ. અજય ચૌહાણે એમ પણ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ સુધીમાં આત્મહત્યાના પ્રમાણમાં ગુજરાત ૭ માં ક્રમે હતું. જે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આત્મહત્યા અટકાવવાના વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે વર્ષ ૨૦૨૦ માં ૧૨ માં ક્રમાંકે પહોચ્યું છે. ગુજરાતમાં પહેલાની સરખાણીએ આત્મહત્યાનો દર ઘટ્યો છે. “કોઇક મને સાંભળનારૂ છે” આ શબ્દોની આજે વ્યક્તિને ખૂબ જ જરૂર છે તેમ જણાવી ડૉ. અજય ચૌહાણે કહ્યુ કે, ઘણી વખત એકલવાયુ, ઉદાસીનતા અનુભવતા વ્યક્તિઓ માટે આ પ્રકારના શબ્દો પણ જીવનપરિવર્તન લાવી શકે છે. તેમને આત્મહત્યા કરવાના વિચારોથી દૂર રાખી શકે છે. કોરોનાકાળમાં સામાન્ય પરિસ્થિતિ કરતા આત્મહત્યાના બનાવોમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો  જોવા મળ્યો છે. જેના માટે સામાજિક, શારિરીક અને માનસિક વિવિધ પરિબળો જવાબદાર છે. જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૪ અને ૧૧૦૦ ટેલીમેડિસીન જેવી હેલ્પલાઇન અને ઇ-સંજીવની જેવી માનસિક હેલ્થ માટેની સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. જેના પગલે વ્યકતિ કોઇપણના સંપર્કમાં આવ્યા વગર પોતાની ઓળખાણની ક્ષતિ કર્યા વગર ઘેર બેઠા જ કાઉન્સેલીંગ કરાવી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ૩૩ જિલ્લાઓમાં તાલુકા અને જિલ્લા સ્તરે અને ચાર મહાનગરોમાં મોટા પાયે માનસિક આરોગ્ય કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં મેડિકલ યુનિટની ટીમ દ્વારા દર્દીની માનસિક આરોગ્ય ચકાસણી તેનું કાઉન્સેલીંગ અને સારવાર કરવામાં આવે છે. દર્દીઓને આ કાર્યક્રમ હેઠળ ૩૫ પ્રકારની વિવિધ દવાઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે.વર્ષ ૨૦૨૦-૨૧મા ૬.૯૮ લાખ ઓ.પી.ડી. અને ૫.૬૭ લાખ દર્દીઓને દાખલ કરી માનસિક આરોગ્ય સેવાઓ આપવામાં આવી
મીડિયા સાથેના સંવાદમાં ડૉ. દિપ્તી ભટ્ટ દ્વારા મીડિયા દ્વારા આત્મહત્યા પ્રેરિત તત્વોથી વ્યક્તિને કંઇ રીતે દૂર રાખવા,લોકોમાં મીડિયાના માધ્યમથી સકારાત્મક વિચારોનું વહન કરવું, વ્યક્તિઓને આત્મહત્યા કરતા અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતુ.
ડૉ. દિપ્તી ભટ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આત્મહત્યાના કિસ્સામાં રીપોર્ટીંગ માટેની ગાઇડલાઇનનું પણ માર્ગદર્શન મીડિયા મિત્રોને આપવામાં આવ્યું હતુ. (માહિતી સૌજન્ય : અમિતસિંહ ચૌહાણ)

(6:29 pm IST)