Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મહારાષ્‍ટ્રમાં નહીં પરંતુ 1878માં પાટણમાં વસતા મહારાષ્‍ટ્રીયન પરિવારોએ તિલક પહેલા જ ગણેશ ઉત્‍સવની શરૂઆત થઇ હતીઃ સરકારી ગેજેટમાં પણ પુરાવા મળ્‍યા

આજે પણ 144મા ગણેશ ઉત્‍સવની ભવ્‍યતાથી ઉજવણીઃ વિધીવિધાન સાથે ગણેશજીની સ્‍થાપના

પાટણ: ધાર્મિક માન્યતા મુજબ ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના રોજ મધ્યકાળમાં સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. આથી આ ચતુર્થી ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આજના શુભ દિવસે ભગવાન ગણેશની સ્થાપના સાથે ગણેશોત્સવ  પર્વની શરૂઆત થાય છે જે 10 દિવસ સુધી ચાલે છે. ઈતિહાસમાં નોંધાયેલુ છે કે, લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રથી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી. પરંતુ હવે આ ઈતિહાસ બદલવો પડે તેવી માહિતી સામે આવી છે. સમગ્ર એશિયાનો સૌ પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી અને આજે પાટણમાં 144 માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. 

સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાઈ જવા પામ્યું છે, ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ. પણ આજે આ ઉત્સવ માત્ર મહારાષ્ટ3 સુધી સીમિત ના રહીને લોકઉત્સવ બની ગયો છે. સૌ કોઈ આ ઉત્સવને શ્રદ્ધા સાથે માનવી રહ્યું છે. લોકમાન્ય તિલકે સ્વાતંત્રય સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત 1892 માં કરી હતી. પરંતુ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ તિલક પહેલા જ ગણેશ ઉત્સવની શરૂઆત 1878 માં કરી હતી. જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ જોવા મળે છે. જેથી કહી શકાય કે પાટણથી દેશમાં સૌપ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે.

આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા હાલમાં પણ પાટણમાં જળવાઈ રહી છે. આજે પાટણમાં 144 માં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ધામધૂમ અને ભક્તિ સાથે ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી પ્રાચીન ગણેશ વાડી ખાતે લઇ જવામાં આવે છે અને વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

પાટણના પ્રાચીન ગણેશ ઉત્સવની ખાસિયત એ છે કે, પ્રથમ ગણેશ ઉત્સવમાં જે પ્રથમ મૂર્તિ બનાવવામાં આવી હતી, તે મૂર્તિના માટીના અવશેષ આજે બનાવેલ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે. એટલુ જ નહિ, મૂર્તિ બનાવતા વખતે સતત ગણેશજીના જાપ કરીને મૂર્તિ બનાવવામાં આવે છે અને સંપૂર્ણ આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે. આજે પણ આ પ્રથા અકબંધ છે.

ઐતિહાસિક નગરી પાટણમાં સદીઓ પહેલા મહારાષ્ટ્રીયન સમાજના 600 પરિવારો સ્થાયી થયા હતા. સમયાંતરે પરિવારો સ્થળાંતર કરતા ગયા અને આજે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ મહારાષ્ટ્રીય પરિવારો અહી રહે છે. પણ ગણેશ ઉત્સવની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન મહિલાઓ પણ ભજન સંધ્યા, જાપ, ધૂન, શ્લોક વગેરે કરી ભક્તિના રંગ માં રંગાઈ જાય છે.

આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે જેમાં સૌ કોઈ ભક્તો શ્રદ્ધાથી જોડાય છે અને ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે.

(6:28 pm IST)