Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નડિયાદમાં વિદ્યાર્થીસહાયના નામે છેતરપિંડી આચરતા ટ્રસ્ટનો પર્દાફાશ

નડિયાદ: શહેર માં સરકારી તંત્રની રહેમનજર હેઠળ વિદ્યાર્થીસહાયના નામે છેતરપિંડી કરતી ટ્રસ્ટ ફૂલફાલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા એક વરસથી નડિયાદ પોસ્ટ ઓફિસમાં બનાવટી ચેરિટેબલ ટ્રસ્ટના નામે કવરો આવી રહ્યા છે  અને  તે કવરોને શંકાસ્પદ વ્યક્તિઓ પોસ્ટઓફિસમાં રૂબરૂ આવીને લઈ જતી હોવા છતાં આ અંગે મૌન સેવાઈ રહ્યું છે. આ કારણે પોસ્ટ વિભાગ અને પોલીસ તંત્રની મિલિભગતની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે હજી પણ નડિયાદ પોસ્ટ ઓફિસમાં દરરોજ અસંખ્ય કવરો વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરિટેબલ ટ્રસ્ટના નામે આવી રહ્યા છે. આ કવરો ટ્રસ્ટના કર્મચારી હોવાનું કહેતા કેટલાક વ્યક્તિઓ દ્વારા રૂબરૂ પોસ્ટઓફિસમાં આવીને લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ તે અંગે પોસ્ટ ઓફિસના અધિકારીઓને પૂછતા તેઓ એક જ રટણ રટે છે કે અમને તે લોકોની ઓળખ વિશે વધુ કશું ખબર નથી. બીજી તરફ ટ્રસ્ટના દર્શાવેલ સરનામાની દુકાન સતત બંધ હોવા છતાં અને આ નામે નડિયાદમાં કોઈ ટ્રસ્ટ રજિસ્ટર ન હોવા છતાં આ કારોબાર કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે તેવો મૂંઝવતો પ્રશ્ન હાલ નડિયાદની શિક્ષણ આલમમાં ફેલાઈ ગયો છે.

આમ છેલ્લા એક વરસથી આ શંકાસ્પદ ટ્રસ્ટનો વ્યવહાર ચાલતો હોવા છતાં પોલીસ વિભાગ, ચેરિટી વિભાગ અને પોસ્ટ વિભાગ કુંભકર્ણ નિદ્રામાં હોવાના આરોપ નડિયાદના જાગ્રત નાગરિકો કરી રહ્યા છે.

 

(5:05 pm IST)