Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવના વિકાસ અને શહેરમાં રેલવે ઓવર-અંડર બ્રિજ અંગે બેઠક યોજાઈ

મુખ્યમંત્રી સમક્ષ બંને વિકાસ કામોનું વિગતવાર પ્રેઝન્ટેશનઃ કોર્પોરેશનના હોદેદારોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૦ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન - વિકાસ માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવર બ્રિજ - અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની એક વિસ્તૃત બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જૂનાગઢની પ્રજા માટે જૂનાગઢના હાર્દસમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન તરીકે વિકસાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુકત શહેર બનાવવા નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બંને વિકાસ કામોનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું.

આ બેઠકમાં પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના મેયરશ્રી,  ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, જુનાગઢ મહાનગરપાલિકાના દંડક, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખશ્રી સહિત મહામંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:19 pm IST)