Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક રેકિંગમાં ગુજરાત યુનિવર્સીટીનું સમગ્ર દેશમાં 43મું સ્થાન

2020માં 44માં ક્રમ મેળવ્યા બાદ 2021માં યુનિવર્સીટીએ 43મું સ્થાન મેળવ્યું: માનવ સંશાધન અને વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પરિણામ જાહેર

અમદાવાદ : કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય  મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક ( NIRF ) 2021માં ગુજરાત યુનિવર્સીટીએ સમગ્ર દેશની ટોચની યુનિવર્સીટીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.એટલું જ નહીં પરંતુ અગાઉના રેન્કીંગ કરતાં આગળના ક્રમે જઇને સમગ્ર દેશમાં 43મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સતત બીજા વર્ષે પણ ગુજરાત યુનિવર્સીટીએ NIRF રેન્કીંગમાં સ્થાન જાળવી રાખીને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ગૈરાન્વિત કર્યું છે.

માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય ( MHRD )ના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા NIRF -2021 રેન્કિંગનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ગુજરાતની પ્રથમ અને મોટી યુનિવર્સીટીઓમાં એક સમયે ગણના પામતી ગુજરાત યુનિવર્સીટીએ 43મું સ્થાન મેળવ્યું હતું.

NIRF રેન્કિંગ – 2021માં દેશની કુલ 50 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 6 હજારથી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. સૌ પ્રથમ વખત 11 કેટેગરીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં આ વખતે પહેલી વખત સંશોધનની કેટેગરી પણ દાખલ કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સીટી રાજયની પ્રથમ યુનિવર્સીટી છે. જેને બે વખત NIRF રેન્કીંગમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. 2020માં 44માં ક્રમ મેળવ્યા બાદ 2021માં યુનિવર્સીટીએ 43મું સ્થાન મેળવ્યું છે. ગુજરાત યુનિવર્સીટી દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં શરૂ કરેલા પ્રકલ્પો જેવા કે રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સીટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ કાઉન્સિલ, ગુજરાત યુનિવર્સીટી કન્સલ્ટન્સી ફાઉન્ડેશન, ઇન્સ્ટીટયૂટ ઓફ ડીફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સસ્ટેનેબીલીટી, સ્પોર્ટસ સીટી વગેરનો સમાવેશ થાય છે.

ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પ્રો. હિંમાશુ પંડયા તથા ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે તેઓએ રેન્કિંગના પરફોર્મન્સ માટે તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરો અને IQAC ટીમને અભિનંદન પાઠવવાની સાથે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:00 pm IST)