Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ધોરણ-12ના શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર માટે પરીક્ષાની તારીખ હવે કરાશે જાહેર : આવેદનપત્રો ભરવાની મુદ્દત પૂર્ણ

હવે પ્રિન્સીપલ એપ્રુવલ અને ફી ભરવાની બાકી હોય તેમને 14 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી પુર્ણ કરવા માટે બોર્ડ દ્વારા સુચના

ગાંધીનગર: ITIના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-12ના શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર માટે સપ્ટેમ્બર માસમાં બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્રો ભરવાની મુદ્દત આજે ગુરૂવારના રોજ પુર્ણ થઈ ચુકી છે. હવે પ્રિન્સીપલ એપ્રુવલ અને ફી ભરવાની કાર્યવાહી બાકી હોય તો તેમને 14 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી પુર્ણ કરવા માટે બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી છે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 પાસ કરેલું હોય અને ચાલુ વર્ષે ITIના અભ્યાસક્રમના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-12નું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તેવા હેતુથી બોર્ડ દ્વારા ધોરણ-12 અંગ્રેજી દ્વીતીય ભાષાની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 1 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા અગાઉ સુચના આપવામાં આવી હતી.

આમ, ગુરૂવારના રોજ ફોર્મ ભરવાની અંતિમ મુદ્દત હોવાથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ કરવાની રહેશે. ફોર્મના પ્રિન્સિપાલ એપ્રુવલ અથવા ફી ભરવાની પ્રક્રિયા બાકી હોય તો તે 14 સપ્ટેમ્બર સુધીમાં પુર્ણ કરવાની રહેશે તેવી સુચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આમ, આ કાર્યવાહી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(9:33 pm IST)