Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આંગણવાડીઓના મીઠાંમાં આયોડિનનું પ્રમાણ ઓછું

સીઈઆરસી દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લામાં સર્વેક્ષણ : ૩૩ જિલ્લામાં આશરે ૫,૦૦૦થી વધુ નમૂનાનું પરિક્ષણ કરાતાં મીઠામાં આયોડિનનું પ્રમાણ ૧૫પીપીએમથી નીચું

અમદાવાદ, તા.૯ : કન્ઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં કરાયેલા સર્વેક્ષણમાં આંગણવાડીમાંથી લેવાયેલા મીઠાંના મોટાભાગના નમૂનાઓમાં આયોડિનનું પ્રમાણ નેશનલ આયોડિન ડેફિસિયન્સી ડિસઓર્ડર્સ કન્ટ્રોલ પ્રોગ્રામ (એનઆઈડીડીસીપી) દ્વારા નિર્ધારિત કરાયેલ સ્તરને અનુરૂપ નહીં હોવાનું જણાયું હતું.

તેનો અર્થ કે તેમાં આયોડિનનું પ્રમાણ ૧૫પીપીએમ કરતાં નીચું હતું. ગુજરાતમાં એનઆઈડીડીસીપીના અમલ માટે સીઈઆરસીએ છેલ્લાં બે વર્ષથી ભાગીદારી કરી છે અને ૩૩ જિલ્લાઓમાં આશરે ૫,૦૦૦થી વધુ નમૂનાઓનું પરિક્ષણ કર્યું છે.

આ નમૂનાઓ રિટેલર્સ/ જથ્થાબંધ વેપારીઓ, પીડીએસ/ વાજબી ભાવની દુકાનો, રેશનિંગની દુકાનો, આંગણવાડીઓ અને આઈસીડીએસ કેન્દ્રો તથા હળવદ, ખારાઘોડા, કચ્છ, સાંતલપુર, ભાવનગર જેવા સોલ્ટ આયોડાઈઝેશન યુનિટ્સ(એસઆઈયુ)માંથી એકત્ર કરાયા હતાં. દેશની ૯૦ ટકા વસતિને પારિવારિક સ્તરે આયોડિનયુક્ત મીઠું ઉપલબ્ધ બની રહે તેવી યોજનાના ભાગરૂપે યુનિવર્સલ સોલ્ટ આયોડાઈઝેશન (યુએસઆઈ)ની વ્યૂહરચના હેઠળ દેશમાં એનઆઈડીડીસીપીનો અમલ કરાઈ રહ્યો છે.

જોકે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતનો દેખાવ ૮૦ ટકાના અનુપાલન સાથે ઘણો બહેતર હોવા છતાં, કેટલાંક ક્ષેત્રોમાં સરકારની તાત્કાલિક દરમિયાનગીરી આવશ્યક છે. નીચા આયોડિકરણના વિવિધ સ્તરો ઉપરાંત, સીઇઆરસીના સર્વેક્ષણમાં મિસલેબલિંગ, મિસબ્રાન્ડિંગ અને હલકી કક્ષાની સમસ્યાઓ પણ જોવા મળી છે. ઘોરણોનું અનુપાલન ન કરતા (ક્ન૧૫પીપીએમ આયોડિન) નમૂનાઓના બ્રાન્ડ વાઇઝ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે એવી બ્રાન્ડ્સ છે જે આયોડિનના સ્તરનો ઉલ્લેખ કરતી નથી,

અને કેટલીક અન્ય બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોમાં આયોડિનના સ્તરનો ખોટો દાવો કરે છે. સર્વેના તારણો વિશે વિસ્તૃત જાણકારી આપતાં સીઈઆરસીના ચીફ જનરલ મેનેજર અનિંદિતા મહેતાએ જણાવ્યું હતું કે આંગણવાડી અને આઈસીડીસી સેન્ટર્સ પરથી એકત્ર કરાયેલા પૈકીના આશરે ૫૫ ટકા નમૂનાઓ નીચી ગુણવત્તા (ક્ન૧૫પીપીએમ આયોડિન) ધરાવતા હતાં.

સૌથી વધુ નિષ્ફળ/નીચી ગુણવત્તા ધરાવતા જિલ્લાઓમાં તાપી, નર્મદા, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મીઠા પર પ્રક્રિયા કરતાં પ્રોસેસર્સના પણ ૩૫-૪૦ ટકા સેમ્પલ્સ (ક્ન૨૦પીપીએમ) પણ નીચી ગુણવત્તાવાળા જણાયા હતાં.

(9:13 pm IST)