Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નાના વ્યવસાયકારો બનશે આર્થિક રીતે આત્મનિર્ભર :મંત્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા રાજ્યની વિકસતી જાતિના નાગરિકો માટે અમલી માનવ ગરીમા યોજના અંતર્ગત કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરાયો

રાજ્યના ૧૩,૧૮૦ લાભાર્થીઓને વિવિધ ટુલ કિટ્સ માટે રૂ.૨૮.૫૫ કરોડના લાભોથી લાભાન્વિત કરાયા:માનવ ગરીમા યોજના હેઠળ કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને ટુલ કીટ્સ અપાશે

અમદાવાદ : રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોના સશક્તિકરણ માટે વિનામુલ્યે વિવિધ ટુલ કિટ્સ આપવા માટે અમલી બનાવાયેલી માનવ ગરીમા યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા રાજ્યમંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ડ્રો થકી ૧૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૨૮.૫૫ કરોડના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારે ઓનલાઇન ડ્રો પ્રસંગે જણાવ્યુ હતું કે, મહાનગરોથી માંડીને ગ્રામિણ વિસ્તારના છેવાડાના નાગરિકોને પણ રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને ત્વરિત મળે તે ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાયના અભિગમ સાથે ટીમ ગુજરાત સતત કાર્યરત છે.  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે માનવ ગરીમા યોજના રાજ્યમાં અમલી બનાવાઇ છે. જેનો લાભ મેળવી લાભાર્થીઓ સ્વયં નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે. એટલુ જ નહિ, તેઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી આઝાદીના અમૃત મહોત્સવને દિપાવશે.
મંત્રી પરમારે ઉમેર્યુ હતું કે, માનવ ગરીમા યોજના અંતર્ગત દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ જેવા કુલ-૨૫ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૩,૧૮૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે કુલ ૭૪,૩૭૪ અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ મંજુર થયેલી અરજીઓમાંથી આજે કુલ ૧૩,૧૮૦ લાભાર્થીઓને ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદ કરવામાં આવ્યા છે. આજે થયેલા કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને આગામી સમયમાં માનવ ગરીમા યોજના હેઠળ નક્કી થયેલા ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

(7:22 pm IST)