Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સુરતના અમરોલી કોસાડ વસાહતમાં બાઇક અથડાવાની બાબતે બે જુથો વચ્‍ચે ડખ્‍ખામાં એક યુવકની જન્‍મદિને જ હત્‍યા

મુકેશ પરમારની હત્‍યા કરનારા આરોપીઓની ધરપકડ કરી

સુરતઃ સુરતના અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડના ગાયત્રીનગર ખાતે રહેતો 23 વર્ષીય મુકેશ પરમાર મિત્રો સાથે પોતાના જન્‍મદિન નિમિતે .જવણી કરવા તાપીના પાળા પર ગયો હતો. પરત ફરતા પાછળથી મુકેશની બાઇક કુલદીપને અડી જતા ઉગ્ર બોલાચાલી થતા અન્‍ય યુવકો સાથે ઝપાઝપીમાં મુકેશ પરમારનું મોત નિપજ્‍યુ હતુ. પોલીસ હત્‍યાનો ગુન્‍હો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અમરોલી કોસાડ આવાસમાં બાઈક અથડાવા બાબતે બે સમૂહ વચ્ચે બબાલ થઈ હતી. જે બાબતની અદાવત રાખી મારામારી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેને લઇને અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે, દુખદ વાત એ છે કે, જે યુવકની હત્યા કરવામાં આવી તે જ દિવસે તેનો જન્મદિવસ હતો.

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સતત વધતી ગુનાખોરીના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના અમરોલી વિસ્તારમાં બની છે. અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાયત્રી નગર ખાતે રહેતો 23 વર્ષીય મુકેશ પરમારનો રવિવારે જન્મ દિવસ હતો. જેથી તે મિત્રો સાથે ઉજવણી કરવા તાપીના પાળા પર ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તે મિત્રો સાથે મોપેડ લઇ દુધ લેવા જઇ રહ્યો હતો. આ દરમિયાન અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં કુલદીપ નામનો યુવક અન્ય બે લોકો સાથે પગપાળા જઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી મુકેશની બાઈક કુલદીપને અડી ગઈ હતી.

આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ બંને ત્યાંથી નીકળી ગયા હતા. જોકે પગપાળા જઈ રહ્યા યુવકે અદાવત રાખીને તેના માણસો બોલાવ્યા હતા. તેણે મિત્રો સાથે બાઈક ચાલક યુવક સાથે મારામારી કરી હતી. જેના પ્રતિકાર કરતા મુકેશ દ્વારા પણ મારામારી કરાઈ હતી. કુલદીપ અને તેના મિત્રોએ મુકેશ અને તેના મિત્રો પર લોખંડના પાઇપ અને ચપ્પુથી હુમલો કર્યો હતો.

બંને પક્ષે થયેલ મારામારીમાં 23 વર્ષના મુકેશ પરમાર નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નોપજ્યું હતું જે ઘટના બનતા તાત્કાલિક અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી જોકે આ ઘટનામાં અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની પકડી પાડ્યા હતા હાલ સમગ્ર મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)