Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલો, નહિં તો જલદ આંદોલન

ગુજરાત રાજય કર્મચારી મહામંડળની બેઠકમાં નિર્ણય લેવાયો : સાતમાં પગાર પંચના બાકી ભથ્‍થા, જુની પેન્‍શન યોજના સહિત ૧૫ માંગણીઓ

રાજકોટઃ ગુજરાત રાજય કર્મચારી મહામંડળની સામાન્‍ય સભાની બેઠક સુ.શ્રી ગીતાબા ચૌહાણ, પ્રમુખશ્રી, ગુજરાત રાજય કર્મચારી મહામંડળના અધ્‍યક્ષ સ્‍થાને જુના સચિવાલય કેન્‍ટીન ખાતે મળેલ હતી. જેમાં મહામંત્રીશ્રી ભરતભાઈ ચૌધરી (મો.૯૮૨૪૧ ૪૪૬૦૭), સિનિ.ઉપપ્રમુખશ્રી નાગજીભાઈ ચૌધરી (મો.૭૭૭૯૦ ૬૯૯૪૧), સંગઠન મંત્રીશ્રી ભારતેન્‍દુ રાજગોર તથા આમંત્રીત તરીકે ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખશ્રી દિગ્‍વિજયસિંહ જાડેજા અને મહામંત્રીશ્રી કિરીટસિંહ ચાવડા, ધી ગુજરાત સચિવાયલ ફેડરેશનના મહામંત્રી મહેશસિંહ વાઘેલા, પંચાયત કર્મચારી મહાસંઘના પ્રમુખશ્રી પ્રકાશભાઈ એનએમઓપીએસ ગુજરાતના મહામંત્રીશ્રી જિગરભાઈ શાહ, મહામંડળના રાજયકક્ષાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સામાન્‍ય સભાની બેઠકમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ અને તે અંગે મહામંડળ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની  જાણ કરવામાં આવેલ. કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારશ્રીમાં રજુઆતો કરવા છતા સરકારશ્રી તરફથી નિરાકરણ લાવવા અંગે કોઈ જ હકારાત્‍મક પ્રતિસાદ મળેલ નથી કે પ્રયત્‍નો સુધ્‍ધા થયેલ નથી. આથી રાજયના કર્મચારીઓમાં સરકારરીની આવી નીતિ સામે ઉદાસિનતા અને ભારોભાર અસંતોષ વ્‍યાપેલ છે જે અન્‍વયે આ સાથે સામેલ પ્રશ્નો અંગે સરકારશ્રી તરફથી કોઈ હકારાત્‍મક નિર્ણય કરવામાં ન આવે તો રાજયવ્‍યાપી રેલી, માસ  સીએલ, પેન ડાઉન તથા અચોકકસ  મુદ્દતની હડતાલ જેવા જલદ આંદોલનાત્‍મક કાર્યક્રમો આપવાનું સાધારણ સભામાં સર્વાનુંમતે ઠરાવવામાં આવેલ છે. વધુમાં મહામંડળના લેટરનો દુર ઉપયોગ કરનાર સંજય પટેલ અને ગીરીશ પટેલ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાનું પણ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ હતું.

 

 

કર્મચારીઓના પડતર પ્રશ્નો

(૧) જુની પેન્‍શન યોજના પુનઃલાગુ કરવી, (૨) ફિકસ પગાર પ્રથા બાબતે સરકારશ્રીએ નામ, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL14124-14125/2012 પીટિશન પરત ખેંચી ફિકસ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણુંકથી તમામ લાભ આપવામાં આવે, (૩) સાતમાં પગાર પંચના બાકી ભથ્‍થાના તા.૧/૧/૨૦૧૬ની અસરથી લાગુ કરવામાં આવે, (૪) રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી, (૫) કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ માફક ૧૦-૨૦-૩૦ વર્ષની ઉચ્‍ચતર પગાર ધોરણનો લાભ રાજય સરકારના કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવો, (૬) રૂા.૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીકલેમની મર્યાદા આપવી, (૭) વય નિવૃતિ ૫૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક ૬૦ વર્ષ કરવી, (૮) ૩૦મી જુને વય નિવૃત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્‍શનનો લાભ આપવો, (૯) ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્‍સામાં વારસદારને અપાતી ઉચ્‍ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી, (૧૦)  ૪૫ વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુકિત આપી બઢતી અને ઉચ્‍ચતર પગાર ધોરણના લાભ  આપવા, (૧૧) પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં ૬૦ ટકાએ મુકિતની જોગવાઈ દુર કરી, પાસ થવાના ૫૦ ટકા માકર્સના ધોરણને બદલે ૪૦ ટકા કરવામાં આવે અને ખાતાકીય પરિક્ષાના ૫ વિષયોના સ્‍થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે, (૧૨) પંચાયત, બોર્ડ- નિગમ નગરપાલિકા, મહાનગરપાલીકા, ગ્રાન્‍ટ- ઈન- એઈડ સંસ્‍થાઓ તથા વર્કચાર્જ / રોજમદાર કર્મચારીઓને સાતમાં પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજય સરકારના કર્મચારી ગણવા, (૧૩) વર્ગ- ૩ અને  વર્ગ-૪માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતુ શોષણ દુર કરી નિયમિત ભરતી કરવી અને અુનભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા, (૧૪) કર્મચારીઓને નિવૃતી વખતે કોમ્‍યુટેડ પેન્‍શનના વ્‍યાજના દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવો, (૧૫) બદલી પાત્ર કર્મચારીઓને સંબંધીત જિલ્લામાં તથા બિન બદલી પાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્‍લોટની ફાળવણી કરવી.

(1:31 pm IST)