Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રક્ષાબંધને પાણીપુરી ફલેવરની કાજુકતરી લોન્‍ચ થઇ

પાણીપુરી ફલેવરમાં મીઠાઇ : ચાંદીના વરખ સાથે ક્રંચી પાણીપુરી ફલેવર પેસ્‍ટનો ટ્‍વિસ્‍ટઃ મીઠાઇ ઉપરાંત ચટાકાના શોખીન સુરતીઓ માટે ખાસ ફલેવરની મીઠાઇ તૈયાર કરાઇ

સુરત,તા. ૧૦: તહેવાર હોય અને તેમાં પણ ખાસ કરી ભાઇ-બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન હોય ત્‍યારે મીઠાઇ હોય જ છે. આ વખતે રસપ્રદ અને નવી વાત એ છે કે, શહેરમાં ચટાકેદાર પાણીપૂરી કાજુકતરી લોન્‍ચ થઇ છે. આવી મીઠાઇ બનાવવા પાછળનું મુખ્‍ય કારણ એ છે કે, બહેનોને પાણીપૂરી ખૂબ જ પ્રિય હોય છે. ભાઇ પોતાની બહેનને રક્ષાબંધને ફેવરિટ ફલેવરની મીઠાઇ ખવડાવી ખુશ કરી શકે તે માટે આવી ખાસ ફલેવરની કાજુકતરી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ જે બહેનોના ભાઈઓને મીઠાઈ પસંદ ન હોય એમના માટે કાજુકતરીને ટ્‍વિસ્‍ટ આપીને ચટાકેદાર મીઠાઈ બનાવવામાં આવી છે.

બહેનોને ચટાકેદાર અને મીઠી એમ ટૂ ઈન વન લાગે એવી મજેદાર આ મીઠાઇ બનાવનારા રોનક મીઠાઇવાલાએ જણાવ્‍યું હતું કે, દર વખતે શહેરીજનો અમારી પાસે નવા ફલેવરની મીઠાઇ તૈયાર થાય એવી અપેક્ષા રાખતા હોય છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં બહેનો ખુશ થાય તે માટે તેમની પ્રિય પાણીપૂરી ફલેવરની કાજુકતરી તૈયાર કરવામાં આવી છે. પાણીપૂરી કાજુકતરીની અંદર પાણીનો ટેસ્‍ટ આપતી પેસ્‍ટ મુકાય છે તો ઉપરના ભાગે ચાંદીની વરખ સાથે જ પૂરીનો ચૂરો નખાયો છે. દૂધ, કાચો માલ, મજૂરી અને જીએસટીને જોતા પાણીપૂરી કાજુકતરી સામાન્‍ય કાજુકતરી કરતા મોંઘી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગાઉ આ મીઠાઇ વિક્રેતા બચપન કા પ્‍યાર નામની મીઠાઇ તૈયાર કરી હતી. જે ખાસ કરીને બાળકોને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરાઇ હતી એટલે કે તે મીઠાઇની ફલેવર બબલગમની રાખી હતી. તમને આવી ફલેવર બનાવવાનું કેમ સૂઝયૂં એવા સવાલના જવાબમાં મીઠાઈ બનાવનાર રોનકભાઈ કહે છે કે મોટાભાગના સુરતીઓ ચટાકેદાર ભોજન અને મીઠાઈ એમ બંનેના શોખીન હોય છે, તેથી અમને મીઠાઈમાં ચટાકો ઉમેરવાનો વિચાર આવ્‍યો હતો.

(10:54 am IST)