Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કોરોના વચ્ચે ગાંધીનગરમાં સ્વાઈનફ્લુનો ખતરો : આગામી તહેવારોના સમયમાં લોકોએ સાવધાન રહેવું પડશે

કલોલમાં સાત વર્ષનું બાળક સ્વાઈન પ્લૂમાં સપડાતા સિવીલમાં દાખલ : સેક્ટર-22ની મહિલા ગાંધીનગર સિવીલમાં સારવાર માટે દાખલ

ગાંધીનગર તા.09 :  ગાંધીનગરમાં કોરોના બાદ હવે સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાંય ચોમાસાની સિઝન ચાલતી હોવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. જેમાં સ્વાઈનફ્લુના વધુ બે પોઝીટીવ કેસ નોંધાવા સાથે કુલ સાત કેસ થવા પામ્યા છે. આ ઉપરાંત કોરોનાના આજે વધુ 28 નવા કેસ નોંધાયા છે.

સ્વાઈનફ્લુ ધીરેધીરે પંજો પ્રસરાવી રહ્યો છે. જે જોતાં આગામી તહેવારોના સમયમાં લોકોએ ખરા અર્થમાં સાવધાન રહેવું પડશે તેવું માલુમ પડે છે. સ્વાઈનફ્લુના જે બે કેસ સામે આવ્યા છે, તેમાં એક કેસ મહાપાલિકા વિસ્તારનો છે તો બીજો કલોલ પાલિકા વિસ્તારમાં નોંધાયો છે. પાટનગરમાં સેક્ટર-૨૨માં સ્વાઈનફ્લુનો કેસ આવ્યો છે. જેમાં એક 47 વર્ષના મહિલાને શરદી-ખાંસી-તાવ આવી રહ્યો હતો. કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો છે. મહિલાને ગાંધીનગર સિવીલમાં દાખલ કરાઈ છે. મહિલા દર્દીના પરિવારમાં બીજા ચાર સભ્યો છે, તે તમામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. શરદી-ખાંસી સહિતના કોઈપણ લક્ષણ જણાય આવે તો તુરત જ અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે. તદ્દપરાંત જિલ્લામાં કલોલ સિટીમાં સ્વાઈનફ્લુનો એક કેસ આવ્યો હોવાની વિગતો છે. સાત વર્ષનું બાળક સ્વાઈનફ્લુમાં સપડાયું છે. બાળકને સારવાર માટે સોલા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, તેના પણ પરિવારના સભ્યોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ ક્લાકમાં જ સ્વાઈનફ્લુના ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ સાત પોઝિટીવ કેસ થઈ ગયા છે. જિલ્લા કક્ષાએ સ્વાઈનફ્લુના કુલ પાંચ કેસ પૈકી ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. અલબત્ત હાલમાં આ તમામ દર્દીઓની સ્થિતી સ્થિર છે.

આ તહેવારોનો મહિનો છે. હાલમાં શ્રાાવણ મહિનો હોવાના કારણે શિવાલયોમાં ભક્તોની ભીડ જામે છે. ઉપરાંત રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો બહાર નીકળશે. એકબીજાના સંપર્કમાં આવશે. સાતમ-આઠમના પર્વનો પણ મહિમા છે. આઠમનો મેળો ગાંધીનગર જિલ્લામાં પણ અનેક જગ્યાએ ભરાતો હોય છે. આ સ્થિતીએ સ્વાઈનફ્લુના કેસો વધવાની શક્યતા નકારી શકાતી નથી. ગાંધીનગરની ટ્વીન સિટી અમદાવાદમાં પણ કોરોનાની સાથે સાથે સ્વાઈનફ્લુના કેસોની સંખ્યાનો આંક વધી રહ્યો છે. વાયરલ ફીવરના કેસો પણ ખૂબ છે. શરદી-ઉધરસ-તાવ હોવાથી શરૂના ત્રણ દિવસ લોકો ઘરગથ્થુ ઈલાજ કરતા હોય છે. ત્યારબાદ પણ સ્થિતીમાં સુધારો નથી જણાતો ત્યારે છેક જઈને તબીબનો સંપર્ક કરે છે. આ સ્થિતીએ પહેલેથી જ તબીબનો સંપર્ક કરીને સમયસર સારવાર શરૂ કરી દેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘરમાં કોઈને શરદી-તાવ-ઉધરસ હોય તો માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત જો બાળક બિમાર હોય તો તેને સ્કુલે નહી મોકલવા પણ તબીબોએ સલાહ આપી છે.

કોરોનાના નવા 28 દર્દીઓ નોંધાયા છે. જેમાં દહેગામમાં માત્ર એક જ કેસ આવ્યો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં એક અડાલજનો દર્દી છે તે સિવાય ઉવારસદમાં સૌથી વધુ ચાર કેસ નોંધાયા છે. કલોલ તાલુકામાં ભોયણ મોટી તથા રાંચરડામાં કેસ આવ્યો છે. માણસામાં ચાર કેસ છે. જેમાં ઈટાદરા, માણસા, વરસોડા તથા વ્યાસપાલડીમાં એક-એક કેસ આવ્યો છે. તદ્દપરાંત મહાપાલિકા વિસ્તારમાં નવા 16 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં સે-1માં એક 50 વર્ષિય મહિલાને કોરોના થયો છે. સેક્ટર-૫માં બે કેસ છે, સે-20માં એક વૃધ્ધ દંપતિ કોરોનામાં સપડાયું છે. તો સરગાસણમાં પાંચ લોકો કરોનામાં સપડાયા છે. રાંદેસણ, સુઘડ, સે-21, 24 તથા 8માં એક-એક કેસ નોંધાયો છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રખાયા છે.

(11:34 pm IST)