Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ડોકટર્સ ઉમેદવારોએ સમાજના લોકો માટે નિશૂલ્ક કન્સલટન્સીની કરી ઓફર

લોહાણા ઇન્ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર આયોજિત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ઉમેદવાર માટે જીવનસાથી પસંદગી સંમેલનમાં કોરોનાનો મુદ્દો ચમક્યો

અમદાવાદ : કોરોના મહામારીનો મુદ્દો ચોતરફ ચર્ચામાં છે. ત્યાં સુધી કે લોહાણા સગાઇ કેન્દ્ર દ્વારા યોજાયેલા જીવનસાથી પસંદગી મેળામાં પણ આવ્યો હતો.

આ મેળામાં ઉપસ્થિત ડોકટર ઉમેદવારોએ સંભવિત ત્રીજી લહેરમાં સમાજના લોકોને નિશૂલ્ક કન્સલ્ટન્સીની ઓફર કરીને સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની તૈયારી બતાવી હતી. આ ઓફરને હાજર સૌ કોઇએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. ઓફર કરનારા ઉમેદવારોમાં એમ.ડી. મેડીસન ડો. પાર્થ મશરૂ, ચોટીલાના એમ.બી.બી.એસ. ડોકટર રવિ મેન્ઢા ઉપરાંત રાધનપુરના તાલુકા હેલ્થ ઓફીસર ડો. કેતન ઠક્કરનો સમાવેશ થાય છે.

લોહાણા ઇન્ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા આયોજિત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ઉમેદવાર માટે જીવનસાથી પસંદગી સંમેલન તારીખ 8મી ઓગસ્ટને રવિવારે, અમદાવાદ ખાતે ગજ્જર હોલમાં બપોરે ત્રણ વાગે આયોજન થયું હતું, જેમાં કોરોના કાળમાં દસ લાખ લોકોને ભોજન વ્યવસ્થા નિશુલક આપનારા વિભાબેન જગદીશચંદ્ર ઠક્કર અને તેમની પુત્રવધૂ શશી વિરાગ ઠક્કરને નારી સન્માન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં 75 ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના જીવનસાથી પસંદગી માટેના માપદંડ જણાવ્યા હતા. દક્ષિણ ભારત (કોઇમ્બતુર), રાજયના અમદાવાદ ઉપરાંત જામનગર, રાજકોટ, સુરત, વલસાડ, ઉત્તર ગુજરાતમાંથી ઉમેદવારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હોવાનું કેન્દ્રના સ્થાપક કિશોરભાઇ ઠક્કરે જણાવ્યું હતું. તેની સાથે હવે બીજો લગ્નસાથી પસંદગી મેળો આગામી 12/9/21ના રોજ યોજાશે.

જયારે આ કાર્યક્રમમાં આદર્શ સાસુ અને પુત્રવધૂ કેવા હોવા જોઈએ તેવા પ્રશ્નનો વિભાબેન અને તેમની પુત્રવધુ શશીબેને ટિપ્સ આપતા જણાવ્યું કે અહમ ( ઇગો ) એકબાજુ મૂકી વહુની સાથે દીકરીની જેમ વ્યવહાર કરવામાં આવે તો જીવન જીવવાની મજા આવે છે. નાની નાની બાબતોમાં મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સમસ્યા થાય છે.

જયારે વિશાખાબેને જણાવ્યું હતું કે ગુજરાત બહાર(કોઇમ્બતુર) રહેતા હોવાથી યોગ્ય પાત્ર માટે આવા આયોજન વધારવા પડશે. અન્ય પ્રાંતના પાત્રોને ભવિષ્યમાં મુશ્કેલી ખૂબ પડે છે. તો જામનગરના બિઝનેસમેન હરેનભાઇ દાવડાએ જણાવ્યું હતું કે મારો દીકરો 50 લાખનું પેકેજ અમેરિકામાં છોડીને ઇન્ડિયા આવ્યો છે, અને હાલ જામનગરમાં ધીકતો ધંધો છે, તો શું ભૌગોલિક સ્થળ (મોટા શહેરો જ ) અંગે દીકરીઓની પ્રથમ પસંદગી માટે મા બાપે અને દીકરીઓએ વિચાર કરવો જોઈએ. જામનગર અને રાજકોટ શહેરમાં પણ ઘણો ચાન્સ છે. ભગવાનજી બાપાએ જણાવ્યું હતું કે પ્રત્યેક માતા પિતાએ આજની પેઢીને માન આપીને જીવતા શીખવું જોઈએ.

(11:58 pm IST)