Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

12મીએ ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ શાળાઓને અપાશે

રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને માર્કશીટ મોકલાશે : શાળા દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણ કરાશે

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરાતા બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મોકલી આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 12 ઓગસ્ટના રોજ આ માર્કશીટ શાળાઓને આપવામાં આવશે. ત્યારબાદ શાળા દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટને લગતી કામગીરી હાથ પર લેવામાં આવી હતી. જેમાં માર્કશીટ તૈયાર કરવાની કામગીરી પુર્ણ થતાં હવે તેનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે કમિટીની રચના કરી હતી. આ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ શાળાઓ દ્વારા બોર્ડને મોકલી આપવામાં આવ્યા હતા. આ ગુણ બોર્ડને મળ્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર કરાયા બાદ બોર્ડ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં તમામ કામગીરી પુર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા 11 ઓગસ્ટના રોજ એટલે કે બુધવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે માર્કશીટ અને પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સામાન્ય પ્રવાહની સ્કૂલોને 12 ઓગસ્ટના રોજ પરિણામનું વિતરણ કરવાનું રહેશે. શાળાઓને પરિણામ મળ્યા બાદ તે જ દિવસે શાળાઓ વિદ્યાર્થીઓને પરિણામ આપી દેવાનું આયોજન કર્યું હોવાની વિગતો જાણવા મળી છે.

(10:59 pm IST)