Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શાળાએ હાજર થવામાં કસુર કરનારા નિમણુંક [પામેલા શિક્ષકોના પગારમાંથી 2 લાખ કપાશે

દર મહિને પગારમાંથી 5 હજાર પ્રમાણે 40 મહિના સુધી કપાત કરાશે

અમદાવાદ :  તાજેતરમાં જ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા એકસાથે એક જ દિવસે 2 હજારથી વધુ શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંક પામેલાં શિક્ષકો પૈકી 10 જેટલાં શિક્ષકો નિમણૂંક પામેલી શાળામાં હાજર ન થતાં તેમના પગારમાંથી માસિક રૂ. 5 હજાર લેખે 40 માસમાં રૂ. 2 લાખ કાપવાનો નિર્ણય લેવાયો છે. ઘણા શિક્ષકોએ તાજેતરની ભરતીમાં પસંદગીની સ્કૂલ મેળવવા માટે ભાગ લીધો હતો. પરંતુ પસંદગીની સ્કૂલ ન મળતા તેઓ હાજર ન થયાં હોવાનું જાણવા મળે છે. જેથી શિક્ષણ વિભાગે તેમના પગારમાંથી રૂ. 2 લાખ કાપવાનું નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે શિક્ષકો પાસેથી અગાઉથી સોગંદનામું પણ લેવામાં આવ્યું હતું. તેમ છતાં રાજ્યના 10 જેટલા શિક્ષકો હાજર થયા નથી.

શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરી હતી. જેમાં ઘણા હાલમાં ફરજ બજાવતા શિક્ષકોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આવા શિક્ષકોએ ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની પાસે સોંગદનામું લેવામાં આવ્યું હતું કે, ભરતી સમિતિ દ્વારા જે પણ શાળાની ફાળવણી કરવામાં આવશે ત્યાં તેઓ હાજર થશે. જોકે, આવા સોગંદનામા બાદ પણ કેટલાક શિક્ષકો શાળામાં હાજર થયા ન હોવાનું સામે આવતા વિભાગ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

શિક્ષકો પાસે લેવામાં આવેલા સોગંદનામાં જણાવાયું હતું કે, ભરતી અન્વયે ભરતી સમિતી દ્વારા ઉમેદવારોને મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવનાર કોઈપણ શાળામાં ઉમેદવાર હાજર થશે અને જો હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્ય સુધારણાના હેતુથી સરકાર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારીની તકથી વંચિત રાખી સરકારના શિક્ષિત નાગરીકોને રોજગારી પુરી પાડવાના લક્ષમાં અવરોધ ઉભો કરવા બદલ ઉમેદવારના માસિક પગારમાંથી રૂ. 5 હજાર પ્રમાણે 40 માસ માટે રૂ. 2 લાખ કાપવામાં આવશે.

આમ, સોંગદનામું આપ્યા બાદ પણ રાજ્યના એક ડઝન જેટલા શિક્ષકો ભરતી સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી શાળામાં હાજર થયા ન હોવાની વિગતો સામે આવી હતી. જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આવા શિક્ષકોના પગારમાંથી રૂ. 2 લાખ કાપવા માટેનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને પત્ર લખી શિક્ષકોના નામ અને શાળા સહિતની વિગતો મોકલી આપી છે અને તેમના પગારમાંથી દર મહિને રૂ. 5 હજાર મુજબ 40 માસ સુધીમાં કુલ રૂ. 2 લાખ કાપવા માટેની સુચના આપી છે.

નોંધનીય છે કે, ભરતી સમિતિ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારે હાલમાં ફરજ બજાવતા શિક્ષકો પણ તેમાં ભાગ લેતા હોય છે અને ત્યારબાદ તેમને પસંદગીની જગ્યા પર નિમણુંક ન મળે તો તે જગ્યા પર હાજર થતાં ન હતા. જેના લીધે ભરતી પ્રક્રિયા પુર્ણ થયા બાદ પણ જે તે સ્કૂલની જગ્યા ખાલી રહેતી હતી અને તેના લીધે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડતી હતી. જેથી આ વખતે ભરતી સમિતિ દ્વારા આવા શિક્ષકો પાસે અગાઉથી જ સોગંદનામું લઈ લીધું હતું. જેમાં તેઓ ભરતી સમિતિ દ્વારા ફાળવાયેલી સ્કૂલમાં હાજર ન થાય તો તેમના પગારમાંથી રૂ. 2 લાખ કાપવામાં આવશે તેમ જણાવાયું હતું. તેમ છતાં શિક્ષકો હાજર ન થતાં તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

(9:18 pm IST)