Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાવરકરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ન્હોતો પણ હિન્દુરાષ્ટ્ર માંગીને ગુનો નથી કર્યો: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ

આપણો દેશ સ્વતંત્ર ન્હોતો ત્યારે તેમણે કરેલી માંગ ખોટી ન્હોતી. ત્યારે સંવિધાન પણ ન્હોતું. પણ હવે ભારતમાં સંવિધાન છે. આઝાદી બાદ આપણે દેશમાં તમામ ધર્મોનો સ્વીકાર કર્યો

રાજસ્થાનના શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ વીર સાવરકરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ તેમના જ પક્ષમાં અસમંજસની સ્થિત ઊભી થઈ ગઈ હતી. ડોટાસરાએ કહ્યું હતું કે આ વાત સાચી છે કે દિવંગત હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ન્હોતો. ડોટાસરાએ કહ્યું હતું કે ભલે દેશ માટે સાવરકર જેલ ગયા હોય પરંતુ તેમણે જણાવ્યું હતું કે સાવરકરે હિન્દુ રાષ્ટ્ર માંગીને ગુનો નથી કર્યો.

તેમણે સાવરકરની હિન્દુ રાષ્ટ્રની માંગને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે તેમની ઘણી માગણી યોગ્ય હતી પરંતુ તેમની વિચારધારાથી લોકોને આપત્તિ હતી

ડોટાસરાએ કહ્યું હતું કે સાવરકરે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ ભૂમિકા નથી ભજવી એ વાત એકદમ સાચી છે. અને જ્યારે આપણો દેશ સ્વતંત્ર ન્હોતો ત્યારે તેમણે કરેલી માંગ ખોટી ન્હોતી. ત્યારે સંવિધાન પણ ન્હોતું. પણ હવે ભારતમાં સંવિધાન છે. આઝાદી બાદ આપણે દેશમાં તમામ ધર્મોનો સ્વીકાર કર્યો હતો. પરંતુ તેમની વિચારધારાનો ઉપયોગ આરએસએસ અને ભાજપ દ્વારા સામાજિક વૈમનસ્ય ઊભું કરવા માટે કરવામાં આવ્યો આ ષડ્યંત્રના અમે વિરોધી છીએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે 1883 માં મહારાષ્ટ્રમાં જન્મેલ વિનાયક દામોદર સાવરકરને વીર સાવરકર પણ કહેવામાં આવે છે અને તેમણે ખાસ તો હિન્દુત્વવાદી વિચારો ધરાવતા સંગઠનોમાં નાયક તરીકે પણ જોવામાં આવે છે. વીર સાવરકર અંગ્રેજો સામેની લડાઈમાં જેલમાં ગયા હતા અને તેમને સરકારે અમાનવીય યતનાઓ આપી હતી

ડોટાસરાના આ નિવેદન પર ભાજપનાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે આખરે કોંગ્રેસી નેતાની જીભે સત્ય આવ્યું ખરું. તેમણે કહ્યું હતું કે સાવરકર અમારા માર્ગદર્શક હતા અને રહેશે. .

(6:25 pm IST)