Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમદાવાદમાં અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવાતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશઃ નાણા મેળવવા માટે ‘મની પેક’ કાર્ડનો ઉપયોગ કરતા

સુરેશ ઠાકોર-નરેન્દ્ર કોરડીયાની મોબાઇલ, લેપટોપ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ

અમદાવાદઃ અમદાવાદમાં અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવતું બોગસ કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. બેંક લોન લેનારા અમેરિકી નાગરિકોને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રખિયાલમાં બોગસ કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટરમાં આરોપીઓ અમેરિકાના નાગરિકોને ઓન લાઇન ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનાર અમેરિકન લોકોને રૂપિયા નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા. અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા.

આ બનાવની જાણ થતા પોલીસે આ બોગસ કોલ સેન્ટર પર રેડ કરી હતી અને મોબાઈલ, લેપટોપ, રાઉટર અને રૂપિયા ગણવાના મશીન સહિતનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે. રખિયાલ પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓના નામ છે સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા છે. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોએ પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

જો કે, અગાઉ પણ અનેક ટોળકીઓ બોગસ કોલસેન્ટરમાં ઝડપાઈ ચૂકી છે. પરંતુ નોંધનીય છે કે વિદેશી નાગરિકોને છેતરીને રૂપિયા પડાવવાના કૌભાંડમાં હવે 18 થી 25 વર્ષના યુવાનો જોડાવાનો રેશિયો વધી ગયો છે. એટલે આ લાલબત્તી સમાન કિસ્સો સમાજને સૂચિત કરી રહ્યો છે કે જો યુવાવર્ગને પરિવાર કે વડીલો દ્વારા નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં યુવા પેઢી આ પ્રકારની ગુનાખોરીના દલદલમાં ફસાતી જશે.

(5:15 pm IST)