Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સુરતના વરાછામાં ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી સાથે 21.20 લાખની છેતરપિંડી કરનાર વેપારીની ધરપકડ

સુરત: શહેર ના વરાછા ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી સાથે એક વર્ષ અગાઉ થયેલી રૂ.21.20 લાખની છેતરપિંડી સંદર્ભે વરાછા પોલીસે ઉલ્હાસનગરના વેપારીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા સ્થિત ગ્લોબલ માર્કેટમાં ગુરૂક્રુપા ક્રીએશનના નામે ડ્રેસ, કુર્તી, પ્લાઝોનો હોલસેલમાં વેપાર કરતા રાંદેર રોડ તાડવાડીના વેપારી સત્યેન્દ્રભાઈ શિવપુજનસિંહ ઠાકોર પાસેથી કાપડ દલાલ સુનિલ માતાપ્રસાદ મિશ્રા ( રહે. પ્લોટ નં.50, સાંઇધામ, ગોડાદરા, રેલ્વે ફાટક પાસે, સુરત) એ મુંબઈના ત્રણ વેપારી શ્રીરામ ગાર્મેન્ટસના નામે વેપાર કરતા આનંદ વિરેન્દ્રપ્રસાદ સિંહ તેમજ વર્ધમાન ટ્રેડર્સના નામે વેપાર કરતા જયેશકુમાર રતીલાલ નાઈ અને ધીરજભાઇને રૂ.21.20 લાખના ડ્રેસ, કુર્તી, પ્લાઝોનો માલ અપાવ્યો હતો. જોકે, બાદમાં ત્રણેય વેપારીએ પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી દેતા દલાલ સુનિલે પણ પેમેન્ટ ચુકવવાને બદલે હાથ ઊંચા કરી દીધા હતા અને સત્યેન્દ્રભાઈને કહ્યું હતું કે તે બધા મારા માણસો છે થાય તે કરી લો.
છેતરપિંડીની આ ઘટના અંગે સત્યેન્દ્રભાઈએ ગત 2 જુલાઈ 2020 ના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે આ ગુનામાં ગતરોજ ઉલ્હાસનગરના વેપારી આનંદ વીરેન્દ્રપ્રસાદ સિંહ ( ઉ.વ.43, રહે. ઘર નં.41, પ્રજ્ઞા સોસાયટી, ઓ.ટી.સેકશન-3, ગુલરાજ આશ્રમની સામે, સ્ટેશન રોડ, ઉલ્લાસનગર-3, જી.થાણે, મહારાષ્ટ્ર. મુળ રહે. સરાઇ ખ્વાજા, તા.શાહગંજ, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરી બાદમાં તેને જામીન મુક્ત કર્યા હતા.

 

(4:49 pm IST)