Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણમાં વિવિધ જગ્યાએ મચ્છરોના પોરા મળી આવતા આંઠ બાંધકામ સાઇટોને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર: વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તો સાથે સાથે મચ્છરજન્ય બિમારીના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર કોર્પોરેશ દ્વારા સતત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને ફિલ્ડ સર્વે પણ હાથ ધરવામાં આવે છે. આજે એક જ દિવસમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવના ૨૦૬ કેસ મળી આવ્યા છે જેમના મેલેરિયાના ટેસ્ટ કરવા માટે લોહીના નમૂના લેવામાં આવ્યા છે. તો બીજીબાજુ ઔદ્યોગિક એકમો તથા બાંધકામ સાઇટમાંથી પણ મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા આઠ સાઇટોને નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ ઘટયું છે પણ સામે મચ્છરજન્ય બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સતત વાદળછાયું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે ત્યારે ગાંધીનગર અને ખાસ કરીને ન્યુ ગાંધીનગર વિસ્તારમાં મચ્છરજન્ય બિમારીના કેસ વધ્યા છે. જેના પગલે ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે સોમવારે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તથા ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટ અને સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશનના શહેરી તથા ગ્રામ્યવિસ્તારોમાં કુલ ૬૧ ટીમ દ્વારા એન્ટી લારવા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૯,૧૧૫ ઘરોની મુલાકાત લઇ ૧૩,૫૬૯ પાત્રોની ચકાસણી કરતાં ૪૬૬ પાત્રો પોરા માટે પોઝિટિવ જોવા મળ્યા હતા તેમજ ૨૦૬ તાવના કેસ પણ મળી આવ્યા હતા. આ તમામ તાવના દર્દીઓના લોહીના નમૂના લઇને તેનો મેલેરિયાનો ટેસ્ટ પણ કરવામાં આવશે.

 

(4:48 pm IST)