Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મહેસાણા જીલ્લાના વડનગર પાલિકાના ભાજપના પૂર્વ નગરસેવિકા રિન્‍કુ પટેલ પોતાના 2 સંતાનો સાથે ગુમઃ દંપત્તિ સામે ગાંધીનગર જીલ્લામાં લાખો રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ થઇ હતી

નગરપાલિકા કમિશનર દ્વારા નગરસેવિકાને ગેરકાયદે ઠેરવાયા હતા

મહેસાણા: વડોદરાના સ્વીટી પટેલ મિસિંગ કેસ જેવો કિસ્સો વડનગરમાં બન્યો છે. વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા પુત્ર-પુત્રી સાથે ગુમ થયા છે. 2 ઓગસ્ટના રોજ બપોરે પૂર્વ નગરસેવિકા બાળકો સાથે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે  પતિએ આ વિશે વડનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હાલ વડનગર પોલીસ સ્ટેશન દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

2 ઓગસ્ટથી સંતાનો સાથે ગુમ થયા રિન્કુબેન

વડનગરના રહેવાસા રીન્કુબેન પટેલ પાલિકાના ભાજપના પૂર્વ નગર સેવિકા છે. તેમનો પરિવાર પિઠોરી દરવાજા વિસ્તારના સુથારવાડમાં રહે છે. ત્યારે એક અઠવાડિયા પહેલા 2 ઓગસ્ટના રોજ રીન્કુબેન પટેલ તેમની દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા (ઉંમર 9 વર્ષ) અને દીકરો પંથ (ઉંમર 6 વર્ષ) ને લઈને કોઈને પણ જાણ કર્યા વગર ઘરથી નીકળી ગયા હતા. તેમના પતિ ભરત સોમાલાલ પટેલે તેમની શોધખોળ કરી હતી, પણ તેઓ ક્યાંય મળ્યા નથી. ત્યારે તેમના પતિએ આ વિશે વડનગર પોલીસને જાણ કરી છે. તો અરજી બાદ વડનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. તેમણે મિસિંગ રિન્કુ પટેલની ભાળ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

રિન્કુબેન અને તેમના પતિ સામે છે ઠગાઈનો આરોપ

ઉલ્લેખનીય છે કે, રીન્કુબેન પટેલ અને તેમના પતિ સામે ગાંધીનગર જિલ્લામાં લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાતાં તત્કાલિન જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરાયાં હતાં. ત્યાર બાદ મ્યુનિસિપાલિટીઝ કમિશનર દ્વારા ઠગાઈની ફરિયાદ મામલે નગરસેવિકાને ગેરલાયક ઠેરવાયા હતા.

(4:34 pm IST)