Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શ્રાવણ પ્રથમ સોમવારે તડકેશ્વર મંદિરમાં કોવિડ નિયમો સાથે ભક્તોએ દર્શન કર્યા

વલસાડનું તડકેશ્વર મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છત વિનાનું તડકો આપતું મંદિર : વલસાડનું તડકેશ્વર મહાદેવ દેશનું એક માત્ર એવું મંદિર છે જેની છત જ નથી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે શિવાયલમાં ભક્તો શિવજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે. વલસાડ નજીક આવેલા તડકેશ્વર મંદિર ખાતે ભક્તોએ શ્રાવણ માસના પ્રથમ દિવસ એવા પ્રથમ સોમવારે શિવલીંગના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.  આ વર્ષે પણ તડકેશ્વર મંદિરમાં ભક્તોએ કોરોનાના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મંદિર બહારથી જ શિવલિંગના દર્શન કરવા પડ્યા હતા. આ વર્ષે ભક્તોએ કોરોના મહામારીથી મુક્તિ અપાવવા માટે શિવજીને પ્રાર્થના કરી હતી.આજુ બાજુ ના જિલ્લા ઓ તથા વિસ્તારો માંથી મોટી સંખ્યા માં ભક્તો દર્શન માટે આવ્યા હતા

 વલસાડનું તડકેશ્વર મહાદેવ દેશનું એક માત્ર એવું મંદિર છે, જેની છત જ નથી. તેની પાછળ તેની અનોખી કથા છે. અહીંના શિવલીંગ પર સીધો તડકો પડતો હોય તેને તડકેશ્વર મહાદેવનું નામ અપાયું હતુ. દર વર્ષે અહીં શ્રાવણ માસમાં ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે અને મોટા મેળાનું પણ આયોજન થતું રહેતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અહીં મેળાનું આયોજન થઇ શક્યું નથી. છતાં અહીં દર્શન માટે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે. અહીં માત્ર વલસાડ જ નહી, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે. શ્રાવણ માસમાં વલસાડના શિવભક્તોની શિવલિંગ દર્શનની યાત્રા તડકેશ્વર મહાદેવથી જ શરૂ થાય છે. ત્યારબાદ અન્ય મંદિરે આ યાત્રા પહોંચતી હોય છે.

(2:19 pm IST)