Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભ કાલે રાજકોટમાં

શિક્ષણ- સંસ્કારના સમન્વયરૂપ યુગકાર્ય માટે સ્વામીજીએ રાજકોટ પસંદ કરેલુઃ ત્યાગ સ્વામી : આત્મીય યુનિવર્સીટીના પરિસરમાં દર્શન- પૂજન- ભાવવંદના શ્રધ્ધાંજલી અર્પણ કરાશેઃ કોવિડ-૧૯ના નિયમોનુસાર કાર્યક્રમ

રાજકોટઃ યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિનો કુંભ આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટે રાજકોટ પહોંચશે. આ અસ્થિકુંભનાં દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યો છે.  કાલે બુધવારે સાંજે ૫ થી ૮ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભકતો તેમજ નગરજનો અસ્થિકુંભનાં દર્શન-પૂજન દ્વારા પરમ પૂજય સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે. 

આ કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે.  જેમાં સંતો-ભકતો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પરમ પૂજય સ્વામીજીનાં યુગકાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં પૂજય ત્યાગવલ્લભ સ્વામી, પૂજય ભકિતપ્રિયસ્વામી સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહીને પરમપૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યની ઝાંખી કરાવશે.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરધામગમન બાદ દિવ્ય વિગ્રહનાં દર્શનાર્થે દેશવિદેશથી લાખો ભાવિકો હરિધામ – સોખડા પહોંચ્યા હતા.  પરમ પૂજય સ્વામીજીનાં યુગકાર્યની કૃપાવર્ષા જે પ્રદેશો પર થઈ છે ત્યાંના જે ભાવિકો, હરિભકતો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકો જે હરિધામ પહોંચી શકયા ન્હોતા તેમની લાગણીને ધ્યાનમાં રાખીને અસ્થિ વિસર્જન કરતાં પહેલાં વિવિધ શહેરો-ગામોમાં અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પરમ પૂજય સ્વામીજીએ શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય સાધીને સમાજને સંસ્કારી યુવાનોની ભેટ આપવાના યુગકાર્યની શરૂઆત રાજકોટથી કરી હતી. ઇ.સ. ૧૯૮૮-૮૯માં અગ્રણી સમાજસેવકો સ્વ. લાભુભાઈ ત્રિવેદી, સ્વ. હરસુખભાઇ સંદ્યવી, સ્વ. જયંતિભાઈ કુંડલિયા, સ્વ. કુંવરજીભાઇ મારૂ, મનસુખભાઇ જોશી વગેરેએ કાલાવડ રોડ સ્થિત શિક્ષણ પરિસર પરમ પૂજય સ્વામીજીને અર્પણ કર્યું હતું.  તે શૈક્ષણિક પરિસરનો પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને દૂરદર્શિતાથી અપ્રતિમ વિકાસ થયો છે. 

પરમ પૂજય સ્વામીજીએ આ પરિસરને ગુરૂહરિ યોગીજી મહારાજને ભકિતઅર્ઘ્ય સ્વરૂપે શ્નયોગીધામ  નામકરણ કર્યું છે.  આજે આ શ્નયોગીધામ માં આત્મીય યુનિવર્સિટી સહિત કે.જી. થી માંડીને અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમો ચલાવતી વિદ્યાસંસ્થાઓ સાકાર થઈ છે.  રાજકોટ પછી સુરત, ભરૂચ, અવિધા, વડોદરા, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર વગેરે શહેરોમાં પણ શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધતી વિદ્યાસંસ્થાઓનું નિર્માણ પરમ પૂજય સ્વામીજીની પ્રેરણાથી થયું છે.

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવી એ પરમ પૂજય સ્વામીજીનો અભિગમ રહ્યો. જેને કારણે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી નવાનવા અભ્યાસક્રમો દ્વારા સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની તક પ્રાપ્ત થઈ છે.  રાજકોટને શ્નએજયુકેશનલ હબ  તરીકેની ઓળખ આપવામાં 'આત્મીય એ અગ્રણી ભૂમિકા ભજવી છે.   પશ્ચિમ રાજકોટના વિકાસમાં આ પરિસરનું યોગદાન સ્વીકારવું જ રહ્યું. 

 રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ, જસદણ, ભાવનગર, જામનગર, જામકંડોરણા, જેતપુર, સુરેન્દ્રનગર વગેરે ગામો-શહેરોના ભાવિકો પણ અસ્થિકુંભ દર્શન – પૂજન માટે રાજકોટ પહોંચશે.  સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા ભાવિકોને  અનુરોધ કરાયો છે.

(11:47 am IST)