Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

GSTમાં અવનવું.. અક્ષાંર - રેખાંશ નહીં દર્શાવ્‍યા તો નવા નંબરની અરજી રદ

નવો નંબર લેવા આવી વિગતો મરજિયાત હોવા છતાં આડોડાઇથી રોષ : સ્‍ટેટ જીએસટીની જોહુકમીને કારણે વેપારીઓ પરેશાન

 

અમદાવાદ,તા.૧૦: જીએસટીમાં નવો નંબર લેવા માટે સ્‍ટેટ જીએસટી દ્વારા સમયાંતરે મનફાવે તેવા નિયમો બનાવતા હોવાના કારણે વેપારીઓની અરજી રદ કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમા જીએસટી નંબર લેવા માટે ઓનલાઇન અક્ષાંશ અને રેખાંશની વિગતો ફોર્મમાં દર્શાવી નહીં હોય તો પણ અરજી રદ કરી દેવામાં આવતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

જીએસટીનો રજિસ્‍ટ્રેશન નંબર નવો લેવા માટે વેપારીએ જીએસટી આરઇજી-૦૩ નંબરનું ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ભરતી વખતે વેપારી દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ, રહેણાકનો પુરાવો જેવા કે લાઇટબિલ, વેરાબિલ ઉપરાંત જે સ્‍થળ પર વેપાર કરવાના હોય તે સ્‍થળનું લાઈટબિલ, વેરાબિલ અને ભાડા પર દુકાન હોય તો ભાડા કરાર સહિતની વિગતો રજૂ કરવાની હોય છે. આ ઉપરાંત વૈકલ્‍પિક વિગતોમાં દુકાન અને રહેણાકનું અક્ષાંશ અને રેખાંશ પણ દર્શાવવાનું હોય છે. જોકે. અત્‍યાર સુધી આ વિગતો દર્શાવવામાં આવતી નહીં હોવા છતાં જીએસટીનો નવો નંબર આપી દેવામાં આવતો હતો. જયારે છેલ્લા થોડા સમયથી અક્ષાંશ અને રેખાંશ વિગતો દર્શાવવામાં આવી નહીં હોય તો તેની અરજી રદ કરી દેવામાં આવી રહી છે. તેમજ આ માટેનાં કારણો સહિતની નોટિસ પણ અરજી કરનારને મોકલવામાં આવતા કચવાટ જોવા મળી રહ્યો છે.

વિભાગની જોહુકમીને કારણે વેપારીઓ ત્રસ્‍ત

અરજી કરનાર વેપારીને અક્ષાંશ અને રેખાશની વિગતોની જાણકારી હોતી નથી. આ ઉપરાંત અરજીની અંદર જ આ વિગતો આપવાનું ફરજિયાત નહીં હોવા છતા અરજી રદ કરવામાં આવી રહી છે. જે ધરાર ગેરકાયદે ગણી શકાય તેમજ અધિકારીઓની જોહુકમની કારણે હાલમાં વેપારીઓને નવો નંબર મળતો નથી. જેથી આ અંગે વેપારીઓને થતી પરેશાની દૂર થાય તેવા પ્રયાસ કરવામાં આવવા જોઇએ.

- પ્રશાંત શાહ ( ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ)

(12:36 pm IST)