Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટ કે આણંદમાં રૂ.૨૫૦૦ કરોડના ખર્ચે બનશે 'ટોય પાર્ક'

ગુજરાત રમકડા ઉદ્યોગમાં નવી છલાંગ લગાવવાની તૈયારીમાં: ચીન નહિ 'આપણા' રમકડાથી વિશ્વના બાળકો રમશે : આ પાર્ક દ્વારા ૧૦,૦૦૦ કરોડનો વેપાર અને ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળશેઃ બનશે ઇન્ટરનેશનલ કવોલીટીના રમકડા

નવી દિલ્હી, તા.૧૦: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ, અમદાવાદમાં સાયન્સ સિટી અને બાલાસિનોરમાં ડાયનાસોર પાર્ક જેવા વિકાસ બાદ યુવાનોને રોજગાર મળે અને ગુજરાતની પ્રગતિ થાય તે માટે એક નવા પ્રોજેકટ અંગે વિચારણા ચાલી રહી છે. આ વખતે ટોય પાર્ક એટલે કે રાજયમાં રમકડા ઉદ્યોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર અમદાવાદના સાણંદ કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ લગભગ ૨,૫૦૦ કરોડનો ખર્ચ કરાશે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. સૂત્રો દ્વારા આ ખર્ચ અંગેની રૂપરેખા બાંધવામાં આવી રહી છે. જોકે, આ પાર્કમાં ખેલકૂદના બદલે બાળકો માટે ઈન્ટરનેશનલ કવોલિટીના રમકડાં તૈયાર કરવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 'ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિશાળ ટોય પાર્ક માટે રાજકોટ પાસે અને સાણંદમાં ૨૫૦ એકર જમીન નક્કી કરવામાં આવી છે.'

રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું ક ગુજરાત રમકડા ઉદ્યોગના રોકાણમાં બહુ જ ઓછો ફાળો ધરાવે છે. એટલે કે ગુજરાત દેશના કુલ રમકડા ઉદ્યોગના ઉત્પાદનમાં માત્ર ૧% જ ફાળો આપે છે.

હવે આવી સ્થિતિમાં રમકડા ઉદ્યોગમાં રાજય સરકાર મોટી છલાંગ લગાવવા માગે છે, આ માટે રોકાણકારોને પણ આકર્ષિત કરવામાં આવશે, આ માટે સાણંદ જેવી જગ્યા પર વિશાળ તૈયારીઓ આરંભવામાં આવી શકે છે.

ઈન્ડસ્ટ્રીયલ એકસપર્ટનું માનવું છે કે, 'કોરોના પછી એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઈન્ટરનેશનલ કંપનીઓ ચીનની બહાર જગ્યા શોધી રહી છે. જેમાં વિયતનામ જેવા દેશો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. આવામાં ભારત માટે પણ એક સારી તક છે, ખાસ કરીને ગુજરાત જેવા રાજયોમાં રો મટિરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ પણ છે જેનાથી રોકાણકારો આકર્ષિત થઈ શકે છે.'

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સાણંદ અને રાજકોટ સિવાય વડોદરામાં પણ આ સંભવિત પાર્ક અંગે વિચારણા કરવામાં આવી હતી, જોકે, આ સ્થળને લઈને સરકાર એટલી ઉત્સાહિત નથી.

વધુમાં ઈન્ડસ્ટ્રી સૂત્રો જણાવે છે કે, ભારતમાં રમકડાનો ઉદ્યોગ દુનિયાની ૧.૫ બિલિયન USD સામે માત્ર ૦.૫% જ છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ભારતમાં રમકડા ઉદ્યોગમાં આગળ છે.

મન કી બાત કાર્યક્રમના ૬૮માં ભાગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત વિઝન અંતર્ગત ઈન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, 'ભારતમાં રમકડા ઉદ્યોગના વિકાસ માટે આગળ આવો.'

(10:17 am IST)