Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બીજ બુટલેગરને સરકારના છૂપા આશીર્વાદ, પોલીસ ફરિયાદ નહીં” ના કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા:કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: રાજય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે ખેતીવાડી ખાતાના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે

અમદાવાદ :કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનહર પટેલે કોંગ્રેસની સીધી સૂચનાથી કૃષિ વિભાગે અમદાવાદ નજીક મોરૈયા ખાતેથી તારીખ ૪ જૂન ના રોજ નકલી બી.ટી. કપાસનો જથ્થો જપ્ત કર્યો હોવાના આક્ષેપોને ફગાવતા કહ્યુ છે કે,આ કામગીરી કૃષિ વિભાગ દ્વારા કરાઈ છે નહી કે, કોંગ્રેસ પક્ષની સૂચનાથી આ બાબત તથ્ય વિહિન તથા પાયાવિહોણી છે. આ પ્રકારની કામગીરી કોઇ રાજકીય પક્ષની સુચનાથી નહી, પરંતુ સરકારના સીધા માર્ગદર્શન તેમજ બાતમી આધારીત ખેતીવાડી ખાતાના તંત્ર દ્વારા કરવામાં આવે છે. કોંગ્રેસે ખેડૂતો ને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ

મંત્રી પટેલે ઉમેર્યું કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળુ બિયારણ તથા જંતુનાશક દવા મળી રહે તેમજ સબસીડાઈઝ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીમાં થતો વપરાશ અટકાવવા આયોજન પુર્વક કાર્યવાહી કરાઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં પણ કાર્યવાહી સતત ચાલુ રહેશે. જે અંતર્ગત અગાઉ પણ અનઅધિકૃત બિયારણની શંકાના આધારે જથ્થો અટકાવેલ હતો તેમજ નમુનાઓ પણ લીધેલા હતા.
આયોજનના ભાગરૂપે જ તારીખ ૪ જૂનના રોજ અમદાવાદ નજીક મોરૈયા ખાતે ગુણવત્તા નિયંત્રણ, અમદાવાદની ટીમ દ્વારા એક ગોડાઉનમાં શંકાના આધારે તપાસ કરતા કપાસના બિયારણના અલગ અલગ વેરાઇટીના ૩૨૦૦ પેકેટનો જથ્થો તથા અંદાજીત ૧૨૦૦૦ કિલો લુઝ કપાસ બિયારણનો જથ્થો જોવા મળેલ હતો. આ જથ્થો શંકાસ્પદ જણાતા વધુ તપાસ અર્થે કપાસ બિયારણનાં તેમજ લુઝ કપાસ બીજના કુલ સાત નમૂનાઓ ચકાસણી હેતુ અધિકૃત બીજ ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપેલ છે. જે અંગે નિયમોનુસાર કાર્યવાહી ગતિમાં છે.
તેમણે ઉમેર્યું કે,રાજ્ય સરકાર નિયમોને ધ્યાને લઇ સતત કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસ પક્ષની સુચનાને આધારે કાર્યવાહી કર્યા હોવાના સમાચાર સત્યથી વેગળા અને તથ્યવિહીન છે.

(8:28 pm IST)