Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન અપાશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે

અમદાવાદ :શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે સાથે રાજ્યના કલા વારસાથી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ વારસાનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યભરની સરકારી શાળાઓમાં અપાતાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ સ્થળ એવા વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી બાળકોને આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(7:16 pm IST)