Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે ટક્કર મારતા આધેડનું કમકમાટીભર્યું મોત

વડોદરા:જિલ્લાના નવા પોલીસ સ્ટેશન જરોદમાં સૌપ્રથમ ગુનો હિટ એન્ડ રનનો નોંધાયો છે. પૂરપાટઝડપે જતી એક કારે બાઇકસવાર આઘેડને જોરદાર ટક્કર મારતા આઘેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મહત્વની  બાબત એ છે કે અકસ્માત કરનાર કારનો ચાલક પોલીસ સ્ટેશનમાં રૃબરું આવ્યો છતા પોલીસે તેને જવા દીધો હતો.આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ ચૌહાણ(ઉ.વ.૫૨) આઇસર ટેમ્પો ચલાવતા હતાં. ગઇકાલે સવારે તેઓ ઘાસનો ફેરો લઇને ગોધરા તાલુકાના ભામૈયા ગયા હતા અને સાંજે તેમને પુત્ર સુરેશને ફોન કરીને જણાવેલ કે તું અને વિજય બંને જરોદ ચોકડી પર બાઇક લઇને આવી જા તમારે ગરધીયા ગામે ઘાસનો ફેરો ભરવા માટે જવાનું છે. સાંજે સુરેશ અને વિજય બંને જરોદ ચોકડી પર પહોંચી ગયા હતા અને પિતા મહેન્દ્રસિંહને બાઇક આપી બંને આઇસર ટેમ્પો લઇને ગરધીયા જવા માટે નીકળ્યા હતાં. મહેન્દ્રસિંહ બાઇક લઇને હાલોલ-વડોદરા રોડ ક્રોસ કરતા હતા ત્યારે હાલોલ તરફથી પૂરપાટઝડપે આવતી વડોદરા પાસિંગની સિલ્વર રંગની વર્ના કારે જોરદાર બાઇકને ટક્કર મારતા મહેન્દ્રસિંહ બાઇક પરથી ઉછળીને નીચે પટકાયા હતાં. અકસ્માતના પગલે મોટો ધડાકો થતા સુરેશે આઇસર ઉભી રાખી જોતા તેના પિતાને જ અકસ્માત થયું હોવાનું જણાયું હતું. આ અકસ્માત બાદ કારનો ચાલક કાર મૂકીને તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયો  હતો જો કે પોલીસે કારના ચાલકને જવા દીધો હતો. અકસ્માતને ૨૪ કલાકનો સમય પૂરો થયો છતાં પોલીસે તેની ધરપકડ કરી નથી. આ અંગે નોંધાયેલી ફરિયાદની તપાસ કરતા પીએસઆઇએ જણાવ્યું  હતું કે આવતીકાલે કારનો ચાલક કાગળો લઇને આવશે ત્યારે ધરપકડ કરીશું.

(6:15 pm IST)