Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સુરત:સચિન જીઆઈડીસીમાં એટીએમમાં ચપ્પુની અણીએ 1.92 લાખની લૂંટ થતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

સુરત: સુરતના સચિન જીઆઇડીસીના લક્ષ્મીવીલા કોમ્પ્લેક્ષમાં આવેલી ધી વરાછા કો-ઓપરેટિવ બેંકના એટીએમ સેન્ટરમાં રોકડ ભરવા ગયેલા મની ટ્રાન્સફરર કંપનીના કર્મચારીને બુકાનીધારી ત્રણ લૂંટારૂઓએ ચપ્પુની અણીએ રોકડા રૂ. 1.87 લાખ અને 5 હજારનો મોબાઇલ ફોન તથા બાઇકની ચાવી લઇ ભાગી જતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ છે. સચિન નજીકના પાલી ગામની કૈલાસ નગર સોસાયટીમાં રહેતો ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચોરસિયા (ઉ.વ. 27) પેનીયર બાય ટેક્નોલોજી નામની મની ટ્રાન્સફર કંપનીમાં રીટેલર પાસેથી ક્લેકશનનું કામ કરે છે. ચંદનકુમાર ગત રાતે 8 વાગ્યે રાબેતા મુજબ ક્લેકશનના રૂ. 1.53 લાખ સચિન જીઆઇડીસીના લક્ષ્મીવીલા કોમ્પ્લેક્ષમાં આવેલી ધી વરાછા કો-ઓપરેટીવ બેંકના એટીએમમાં ભર્યા બાદ પુનઃ ક્લેકશન માટે ગયો હતો. રાત્રે 9.30 વાગ્યે ક્લેકશનના રૂ. 2.31 લાખ પુનઃ એટીએમ સેન્ટરમાં ડિપોઝીટ કરવા ગયો હતો. જયાં એટીએમ સેન્ટરમાં ચંદને રૂ. 49,500 ડિપોઝીટ કર્યા હતા અને બાકીની રકમ ડિપોઝીટ કરી રહ્યો હતો ત્યારે એક પછી એક ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ અંદર ઘુસી ગયા હતા.

હું રૂપિયા મશીનમાં નાંખી દઉં પછી તમે કેબીનમાં આવો એમ કહેતા વેંત ત્રણ પૈકીના એક લૂંટારૂએ ચંદનને ચપ્પુ વડે બાનમાં લઇ રોકડા રૂ. 1.87 લાખ મુકેલી બેગ અને મોબાઇલ ફોન તથા તેના બાઇકની ચાવી લઇ ભાગી ગયા હતા. ઘટના અંગે ચંદને તેના શેઠ હિમાલય મોદીને જાણ કર્યા બાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સચિન જીઆઇડીસી પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. 

(6:13 pm IST)