Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું: વડાપ્રધાનના હસ્તે ગણદેવી તાલુકાના ખારેલમાં નવનિર્મિત ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડિકેટર્સ સતત બહેતર બની રહ્યા છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ની ભાવના ‘સૌના પ્રયાસ’ સુધી વિસ્તરતા જનભાગીદારીથી વિકાસના ક્ષેત્રમાં ઈચ્છિત પરિણામો મળી રહ્યા છે: ગુજરાતની સરકારી હોસ્પિટલો પણ કેન્સરની સારવાર આપવામાં અગ્રેસર બની છે: સ્વ.નિરાલીએ મૃત્યુ પછી પણ લાખો જરૂરિયાતમંદ દર્દીઓ, વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે: નરેન્દ્રભાઈ મોદી

આરોગ્યનું અમૃત્ત પૂરૂ પાડતી નિરાલી હોસ્પિટલ ‘નિરાલીથી નિરામય’ની ભાવના સાકાર કરશે: ‘જનસેવા એ જ પ્રભુસેવા’ની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવનાને નાયક પરિવારે ચરિતાર્થ કરી: વડાપ્રધાનશ્રીએ એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નવસારી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડિકેટર્સ સતત બહેતર બની રહ્યા છે. નીતિ આયોગના ત્રીજા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્ષ મુજબ ‘ગુડ હેલ્થ એન્ડ વેલ બિઇંગ’માં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.
વડાપ્રધાનશ્રીએ નવસારી ખાતે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ૫૦૦ બેડની નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તથા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીએ ગણદેવી તાલુકાના ખારેલમાં ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નો ડિજીટલી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (NMMT) દ્વારા આઠ એકરમાં પથરાયેલા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસ તેમજ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ અત્યાધુનિક આરોગ્ય સુવિધા અને સંસાધનોનું નિરીક્ષણ કર્યું હતું.
લાર્સન એન્ડ ટૂબ્રોના ગ્રુપ ચેરમેન અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક પદ્મવિભૂષણ શ્રી એ.એમ.નાયકે વડાપ્રધાનશ્રીને હેલ્થકેર કેમ્પસની ભૂમિકા અને કામગીરીથી માહિતગાર કર્યા હતા.
વડાપ્રધાનશ્રીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજશ્રેષ્ઠીઓએ છેવાડાના લોકો માટે પ્રગટાવેલા સેવાયજ્ઞની સરાહના કરતા વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે હોલિસ્ટિક એપ્રોચ સાથે સામાન્ય માનવી અને વિશેષતઃ માતાઓ, બાળકોને ઉત્તમ પોષણ મળે, સ્વસ્થ જીવનશૈલી તેમજ પ્રિવેન્ટીવ હેલ્થ સાથે સુદ્રઢ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે એ હેતુથી અનેકવિધ આરોગ્ય યોજનાઓ અમલી બનાવી છે, આયુષમાન ભારત યોજના એનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવતાં તેમણે ગુજરાતના ૪૦ લાખ જરૂરિયાતમંદ લોકોએ આ યોજના હેઠળ લાભ મેળવ્યો છે, તેના પરિણામે રૂ.૭૦૦૦ કરોડથી વધુ રકમની બચત કરી છે.
ગુજરાતમાં મા અમૃત્તમ- વાત્સલ્ય યોજનાએ અનેક પરિવારોને આરોગ્ય ગરિમા બક્ષી હોવાનું જણાવતાં તેમણે ‘આયુષ્માન ભારત યોજના’ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક બનાવવાં માટેનો પ્રેરણાસ્રોત બની હતી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે નવા મુકામો હાંસલ કર્યા છે, ત્યારે ગુજરાતે આજે ગામડાઓમાં સ્થાનિક સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન આરોગ્ય સુવિધાઓ નાગરિકોને ઘરઆંગણે મળતી થઈ છે. શહેરોમાં પણ ૬૦૦ થી વધુ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઔષધાલયોનો લાભ નાગરિકો મેળવી રહ્યા હોવાનું કહ્યું હતું.
સરકારી હોસ્પિટલો આધુનિક આરોગ્ય સુવિધાઓ આપવામાં અગ્રેસર બની છે એમ  જણાવતા તેમણે ઉમેર્યું કે, અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા ખાતે કેન્સરની આધુનિક સારવાર સાથે સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી થઈ છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને અસહ્ય આર્થિક ભારણથી બચાવે છે.  
તેમણે ગુજરાતના મજબૂત આરોગ્ય માળખાની સરાહના કરી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, છેલ્લા વીસ વર્ષોમાં મેડિકલ અને પેરામેડિક્સનો અભ્યાસ અને તાલીમ સુવિધાઓ ખૂબ વધી છે. પરિણામે ગુજરાતમાં આજે ૩૦ થી વધુ મેડિકલ કોલેજો કાર્યરત છે. ગુજરાતમાં ચિરંજીવી યોજના હેઠળ જનભાગીદારી સુનિશ્ચિત કરી સંસ્થાગત પ્રસૂતિને વધુ વ્યાપક બનાવી હોવાનું વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું.    
દાનવીર ભામાશાશ્રી એ.એમ.નાયક સ્થાપિત નાયક ચેરિટેબલ ટ્રસ્ટની ૫૦૦ બેડની નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવો મત વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, રોડ અકસ્માતોમાં સમયસર સારવાર આપી માનવ જિંદગીઓ બચાવી શકતા 'ગોલ્ડન અવર્સ' ખૂબ મહત્વપૂર્ણ હોય છે, ત્યારે હાઈવે પર રહેલી આ હોસ્પિટલ એક્સિડન્ટના કેસોમાં ઘાયલોને સમયસર સારવાર આપી મૃત્યુના મુખમાંથી બચાવવામાં નિમિત્ત બનશે.
તેમણે કહ્યું કે, 'માત્ર બે વર્ષની નાનકડી ઉંમરે કેન્સરની બિમારીથી દુનિયામાંથી વિદાય લેનારી સ્વ.નિરાલીએ મૃત્યુ પછી પણ લાખો જરૂરિયાતમંદ દર્દીઓ, વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. નાયક પરિવારે જનસેવાની જ્યોત પ્રગટાવી સંતતિ ઋણ, પિતૃ ઋણ અને સમાજ ઋણ અદા કર્યું છે',
શિક્ષણ અને આરોગ્ય ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરીને પોતાની સંપત્તિનો 'બહુજન હિતાય, બહુજન સુખાય'ના મંત્ર સાથે ઉપયોગ કરનારા નાયક પરિવારની ઉદાત્ત ભાવનાને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ ખૂબ જ અલ્પ જીવન જીવીને લાખો પરિવારોને નવજીવન આપવાનો માર્ગ બતાવી ગયેલી સ્વ.નિરાલીને પૂણ્યઆત્મા ગણાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આરોગ્ય સેવાના ક્ષેત્રે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નવું સીમાચિહ્ન હાંસલ કરશે, અને નવસારી સહિત આસપાસના વિસ્તારો માટે હેલ્થકેર ક્ષેત્રે લાઈફલાઈન સમાન પુરવાર થશે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ નાયક પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.  
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી અનિલભાઈ નાયકની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, ‘જનસેવા એ જ પ્રભુસેવા’ની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવનાને શ્રી નાયકે ચરિતાર્થ કરી છે. વતનનું ઋણ અદા કરવા માટે તેમણે શરૂ કરેલા સેવાયજ્ઞ માટે ધન્યવાદ પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, જેમણે પ્રિયજનને ગુમાવ્યા હોય તે અન્યનું દુઃખ સમજી શકે છે.  માત્ર બે વર્ષની પૌત્રીને કેન્સરના કારણે ગુમાવવાના દુઃખની લાગણીને તેમણે કરૂણામાં તબદીલ કરી જરૂરિયાતમંદ, વંચિતો, પીડિતો માટે સેવાની સરવાણી વહાવી નાયક પરિવારે ઉમદા મિશન ઉપાડ્યું છે. માત્ર એક જ વર્ષમાં આરોગ્યની અદ્યતન સુવિધાઓ ગરીબ માણસો સુધી પહોંચતી કરવાના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાતની આરોગ્ય સેવાઓ નવી ક્ષિતિજોને આંબી રહી છે. અગાઉ રાજ્યમાં પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી મહિલાઓની પ્રસૂતિ પણ ઘરે કરવી પડતી હતી. વિજળીની અછતથી આરોગ્ય સેવા સહિત જીવનજરૂરી કાર્યો બાધિત બનતા હતા, આજે આવા કપરા દિવસો ભૂતકાળ બન્યા છે.
ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે એવું સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જનઆરોગ્ય સુવિધાઓ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, આરોગ્યલક્ષી સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ, ડાંગ, વ્યારા સહિતના જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રના પણ બે જિલ્લાઓ- ધૂળે અને નંદુરબારને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ કેન્સર હોસ્પિટલની સુપર સ્પેશિયાલ્ટી સેવાઓ સુલભ બનશે. નજીવા ખર્ચે અપાતી આરોગ્ય સુવિધાઓના આ સેવાયજ્ઞથી દરિદ્રનારાયણોની ખરા અર્થમાં સેવા થશે એમ જણાવી આરોગ્યનું અમૃત્ત પૂરૂ પાડનાર આ હોસ્પિટલ ‘નિરાલીથી નિરામય’ની ભાવના સાકાર કરશે એવો મત વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નિરાલી મેમોરિયલ ટ્રસ્ટ, નાયક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, લાર્સન ઍન્ડ ટૂબ્રોના ગ્રુપ ચેરમેન શ્રી એ.એમ.નાયકે કહયું હતું કે, સમાજમાંથી પ્રાપ્ત સંપત્તિને સમાજના ભલા અર્થે, જન્મભૂમિનું ઋણ ચૂકવવા ઉપયોગ કરવો એ નૈતિક જવાબદારી છે. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ અને વંચિત બાંધવોને શ્રેષ્ઠ અને પોષણક્ષમ તબીબી સંભાળ, સારવાર સુવિધાઓ પૂરી પાડવાનો અમારો પ્રયાસ છે એમ જણાવતા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એ સર્વને પરવડે તેવી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું ઉમેર્યું હતું.
પોતાની અંગત પૂંજીથી ટ્રસ્ટના સેવા મિશન થકી અંતરિયાળ વિસ્તારોમાં વાજબી ધોરણે આરોગ્ય સેવા, શૈક્ષણિક સેવા અને રોજગારીની તકો વધારવા ઉચિત કૌશલ્યવર્ધન તાલીમ આપવાની શ્રી નાયકે આ વેળાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ વેળાએ વડાપ્રધાનશ્રીએ કેમ્પસમાં વૃક્ષને જલસિંચન પણ કર્યું હતું.
આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલ, ધારાસભ્યશ્રી પિયુષ દેસાઈ, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી આર.સી.પાટિલ, નિરાલી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જિજ્ઞેશ નાયક અને પરિવારજનો સહિત મહાનુભાવો અને હોસ્પિટલ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

(5:46 pm IST)