Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડોદરામાં વડાપ્રધાનની સભા સ્‍થળની આસપાસ રખડતા અને દોડતા ઢોરના આતંકનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

વડોદરામાં છેલ્લા એક મહિનામાં ઢોરના આતંકના કારણે 10થી વધુ લોકો ઇજાગ્રસ્‍ત થયા

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી 18મી જુને વડોદરામાં સભા યોજવા જઇ રહ્યા છે ત્‍યારે તે સ્‍થળ અને રોડની આસપાસના વિસ્‍તારોમાં રખડતા અને દોડતા ઢોરના આતંકનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં તંત્ર સામે આક્રોશ થયો છે. રાજ્‍યના ઘણા શહેરોમાં રખડતા ઢોરના આતંકથી લોકોને ઇજાઓ થઇ છે ત્‍યારે વડોદરામાં અત્‍યાર સુધીમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્‍ત થયા છે.

રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોઈન કોઈ સ્થળ પર ઢોરના આતંકને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વડોદરા જિલ્લામાંથી રખડતા ઢોરનો એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને તેમને આશ્ચર્ય લાગશે. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક એક ગાય કાર સાથે ભટકાઈ હતી. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાતા કારનું બોનેટ ચિરાઈ ગયું અને કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલાઈ ગયા હતા.

ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. દરરોજ રખડતાં ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં બુધવારના દિવસે ગુજરાતના ત્રણ જિલ્લામાં પાટણ, મોડાસા અને પોરબંદરમાં જાહેર રસ્તા પર આખલાઓના યુદ્ધને કારણે લોકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદી 18 મી જૂનના રોજ ગુજરાતના વડોદરામાં સભા યોજવા જઈ રહ્યા છે. એવામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ અને રોડ શોની જગ્યાઓ પર રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો. કે, પીએમ મોદીના સભા સ્થળથી એક કિલોમીટર દૂર વાઘોડિયા રોડ પર એક ગાય બેફામ દોડતી આવી રહી છે. આ બેફામ દોડતી ગાય સામેથી આવી રહેલી કાર સાથે ભટકાય છે. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાય છે કે, કારનું બોનેટ ચિરાઈ જાય છે અને સાથે સાથે કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલાઈ જાય છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચે છે. સાથે સાથે ગાય કાર સાથે અથડાયા બાદ રોડ પર પટકાય છે. જો કે, બુધવાર બપોરે બનેલા ધડાકાભેર અકસ્માતથી આસપાસમાં રહેતા રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર રખડતાં ઢોરના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે. ત્યારે વડોદરામાં છેલ્લા એક મહિનામાં રખડતાં ઢોરના આતંકને કારણે 10 થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોર બાદ રખડતાં આખલાઓના કારણે લોકોનું રસ્તા પરથી પસાર થવું પણ જોખમ ભરેલું સાબિત થઈ રહ્યું છે. લોકો માગણી કરી રહ્યા છે કે ઝડપથી તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરે અને આખલાઓના આતંકથી લોકોને મુક્તિ અપાવે.

(5:28 pm IST)