Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમદાવાદમાં ગાડીની લે-વેચ કરતા વેપારી દિનેશ ઠક્કર ઠગાઇનો ભોગ બન્‍યાઃ પોલીસ કર્મચારીએ 12 લાખની છેતરપીંડી કરતા સસ્‍પેન્‍ડ

પોલીસ કર્મચારી આકાશ પટેલ વિરૂદ્ધ ફયિાદ બાદ અન્‍ય કોઇ સાથે છેતરપીંડી કરી છે કે નહીં ? તે દિશામાં તપાસ

અમદાવાદઃ અમદાવાદના વાસણામાં રહેતા અને ગાડીની લે-વેચ કરતા વેપારી દિનેશ ઠક્કરને સાબરમતી પોલીસ સ્‍ટશેનમાં ફરજ બજાવતા આકાશ પટેલે 37 લાખની લકઝરીયસ કાર 25 લાખમાં વેચવાની લાલચ આપી 12 લાખ પડાવી લીધા હતા પરંતુ જસ્‍ટ ડ્રાઇવ કંપનીએ ગાડીના એન્‍જીન લોક કરતા ભાંડો ફુટતા આકાશ પટેલ વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ થતા પોલીસ કર્મચારીને સસ્‍પેન્‍ડ કરી દેવાયો છે.

સેલ્ફ ડ્રાઇવ ભાડે કાર આપતી કંપની પાસેથી પોલીસ કર્મચારીએ જ ઠગાઇ આચરી અને એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ કર્મચારી ભાંડો ફૂટ્યો હતો.

બનાવની હકિકતની વાત કરીએ તો અમદાવાદના વાસણામાં રહેતા વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી કારણકે એક પોલીસ કર્મચારીએ લાખોની ઠગાઇ આચરી. ધટના એવી છે કે વેપારી દિનેશ ઠક્કર ગાડી લે-વેચનો ધધો કરતા આ દરમિયાન સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે રૂપિયા 37 લાખની લક્ઝુરિયસ કાર રૂપિયા 25 લાખની વેચવાની લાલચ આપી.

વેપારીએ લાલચમાં રૂપિયા 12 લાખ રોકડા આપી દીધા પરતું જસ્ટ ડ્રાઇવ કંપનીના સંચાલકો ગાડીના એન્જીન લોક મારી દેતા પોલીસ કર્મચારીની ઠગાઇનો ભાંડો ફૂટ્યો. જે બાદ વેપારીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે આકાશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજા બજાવે છે. અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં આકાશ ફરજ બજાવતો હતો.

તે દરમિયાન દિનેશ ઠક્કર પરિચયમાં આવ્યો હતો. દૂધના વેપાર બાદ દિનેશ ઠક્કરે ગાડી લે-વેચનો ધધો શરૂ કરતાં જ આકાશ પટેલે ઠગાઈનું ષડયંત્ર રચ્યું અને જસ્ટ ડ્રાઇવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે રાખી અને આ કાર દિનેશ ભાઈને વેચાણ કરી. દિનેશ ઠક્કરે 12 લાખ ખર્ચી ગાડી ખરીદી ત્યાર બાદ ગાડીના ડોક્યુમેન્ટ નહિ આપીને આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરાર થઈ ગયો.

વેપારી ગાડીની તપાસ કરતા સામે આવ્યું કે ગાડી અન્ય કોઈ વ્યક્તિના નામે હતી. જોકે વેપારી દિનેશ ઠક્કરને પહેલા પોલીસ કર્મી આકાશના પિતાના નામે ગાડી હોવાનું કહીને ઠગાઇ આચરી છે. આનંદ નગર પોલીસે તપાસ કરતા પોલીસ કર્મી આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરજા પર હાજર ન થતો હોવાથી સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈએ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો.

જો કે હવે આકાશ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીએ આકાશને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યારે પોલીસકર્મી આકાશએ અન્ય કોઈ લોકો સાથે ઠગાઇ કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(5:21 pm IST)