Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આજે વાવણી માટેનો શુભ દિવસઃ ભીમ અગીયારસનો અસહ્ય ઉકળાટ

આગોતરી વાવણી માટે ખેડૂતો દ્વારા વાવેતરની પરંપરાઃ કપાસ, મગફળીના વાવેતર માટે તૈયારી

રાજકોટ, તા., ૧૦: આજે ભીમ અગીયારસ છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. આજે વાવણી માટેનો શુભદિવસ માનવામાં આવે છે. જો કે આજે અસહ્ય ઉકળાટ યથાવત છે. આજે આગોતરા વાવણી માટે ખેડુતો દ્વારા વાવેતરની પરંપરા છે. કપાસ, મગફળીના વાવેતર માટે ખેડુતો કામગીરી કરી રહયા છે.

ભીમ અગીયારસની માન્‍યતા અને પરંપરાને આધીન શ્રધ્‍ધાળુઓ આખો દિવસ નિર્જળા રહીને ભીમ અગીયારસ ઉજવશે. જો કે આ વર્ષે એકાદશીનો ક્ષય અને તીથીના વિચિત્ર સંયોગ વચ્‍ચે શુક્રવારે ભીમ અગીયારસની ઉજવણી થશે. સ્‍માર્ત અને વૈષ્‍ણવ એકાદશીને લઇને પણ મતમતાંતર જોવા મળી રહયા છે.

હિન્‍દુ સમુદાયમાં નિર્જળા એકાદશી સૌથી મહત્‍વપુર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. નિર્જળા એટલે પાણી વિના અને આ દિવસે ઘણા ભકતો પાણીનું ટીપુ પણ લીધા વિના ઉપવાસ કરે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્‍ણુના આશીર્વાદ મેળવવા માટે મનાવવામાં આવે છે.

એકાદશી  તીથી ૧૦ જુનના રોજ સવારે ૭.રપ વાગ્‍યે  શરૂ થશે અને ૧૧ જુનના રોજ સવારે પ.૪પ વાગ્‍યા સુધી ચાલશે. હિન્‍દુ માન્‍યતા અનુસાર નિર્જળા એકાદશી દિવસે વ્રત રાખવાથી વર્ષમાં બધી એકાદશીના ઉપવાસનો લાભ મળે છે. જો તમે વર્ષમાં તમામ ર૪ એકાદશીનું વ્રત ન કરી શકો તો ત્‍યારે માત્ર એક જ નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરવું જોઇએ.

અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ વરસાદની આગાહી વચ્‍ચે તાપમાનનો પારો પણ ગગડયો છે. પરંતુ બફારો ઉકળાટ વધ્‍યો છે. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા છે. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજયના વિવિધ વિસ્‍તારોમાં હળવા વરસાદ સાથે પ્રતિ કલાકે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતાઓ રહેલી છે. જેમાં પ્રથમ દિવસે શુક્રવારે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

સમયસર અને સારો વાવણી લાયક વરસાદ ૧પ થી ર૦ જૂન સુધીમાં પડવાની આગાહીઓ બહાર આવતા ખેડૂતોએ આગોતરા વાવેતરમાં વેગ લાવી દીધો છે. વીસેક દિવસથી આગોતરા વાવેતર શરૂ થયા છે અને હવે આજે ભીમ અગીયારસે અનેક ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરવા થનગની રહ્યા છે.

ભીમ અગિયારસનો દિવસ વાવેતર માટે શુભ ગણાય છે. અલબત હવે ખેડૂતો દિવસની રાહ જોતા નથી છતાં પરંપરા જાળવનારો વર્ગ પણ વધારે છે. આવતીકાલે પાણીવાળા વિસ્‍તારોમાં વાવેતરના કાર્યનો આરંભ ચોકકસપણે થઇ જશે. એ પછી દસેક દિવસમાં વરસાદની પધરામણી થવાની આગાહી કરવામાં આવી છે. 

 

ગારિયાધારના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૧૦: ભાવનગરના ગારિયાધાર પંથકમાં ગઇ કાલે વરસાદ પડ્‍યો હતો. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર માં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્‍યો હતો.

ગારીયાધારના પરવડી, પાંચ ટોપરા, રૂપાવટી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છુટ્ટો- છવાયો વરસાદ પડ્‍યો હતો ભારે ગરમી અને ઉકળાટ બાદગઇ કાલે સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્‍યો હતો.વરસાદની સાથે વીજળી ગુલ થઈ ગઈ હતી.ગારિયાધાર પંથકમાં વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી

ભાવનગર શહેરમાં દિવસે ભારે ગરમી રહ્યા બાદ સાંજે ભારે પવન ફૂંકાયો હતો. કાલે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૯.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા નોંધાયું હતું. જયારે પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(11:45 am IST)