Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સુરતના પ્રાઇડ ઓફ ઇન્ડિયા ડાયમંડે સર્જયો નવો વર્લ્ડ રેકોર્ડઃ ૩૦.૧૮ કેરેટના લેબગ્રોન ડાયમંડે વિશ્વના સૌથી મોટા હિરાનો ખિતાબ મેળવ્યો

આજથી અમેરિકાના લાસ વેગાસ પ્રદર્શનમાં પ્રાઇડ ઓફ ઇન્ડિયા ને જાવા માટે ભારે પૂછપરછઃ ભારત માટે આજે ગર્વનો દિવસ, ચીનને પછાડી લેબગ્રોન ડાયમંડમાં ભારત નંબર ૧...

નવી દિલ્હી, તા.૧૦: સુરતના હિરા ઉદ્યોગે ફરી એક વખત વિશ્વભરમાં ડંકો વગાડયો છે. શહેરની ઇથીરીયલ ગ્રીન ડાયમંડે વિશ્વનો સૌથી મોટો ૩૦.૧૮ કેરેટનો શાનદાર લેબગ્રોન ડાયમંડ બનાવીને સૌને અચંબામાં મુકી દીધા છે.

આજથી અમેરિકાના લાસ વેગાસમાં શરૂ થઇ રહેલા એકઝીબિશનમાં સુરતમાં બનેલા 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા' લેબ ગ્રોન ડાયમંડને જોવા માટે ભારે પૂછપરછ થઇ રહી છે.

જગપ્રસિધ્ધ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટએ ઇથીરીયલ ગ્રીન ડાયમંડના ૩૦.૧૮ કેરેટના હિરાની ચકાસણી કરીને 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું બિરૂદ આપીને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યુ છે. આઇજીઆઇ દ્વારા પ્રમાણિત ૩૦.૧૮ કેરેટના વિશાળ લેબગ્રોન 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ડાયમંડે વિશ્વના સૌથી મોટા કદના (કેરેટ) લેબગ્રોન ડાયમંડનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.

વિશ્વના સૌથી મોટા ૩૦.૧૮ કેરેટના લેબગ્રોન ડાયમંડ વિશે વાત કરતા ઇથીરીયલ ગ્રીન ડાયમંડ હિરવ અનિલભાઇ વિરાણી કહે છે, અમારી એડવાન્સ ટેકનોલોજીએ ભારે પુરૂષાર્થ પછી વિશ્વભરમાં ચમત્કાર કર્યો છે. 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ના ઘડતર સમયે અમારૂ સંપૂર્ણ ધ્યાન રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઉપર હતુ એક અત્યાનુધિક મશીનમાં બાહોર એન્જિીનીયરોની દેખરેખ હેઠળ સતત ચાર અઠવાડિયા સુધી ચોક્કસ તાપમાનની જાળવણી પછી 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા' આકાર પામ્યો છે.

ઇથીરીયલના હિરવ વિરાણી કહે છે, 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ખરેખર અદભૂત છે. આ ૩૦.૧૮ કેરેટના હિરાએ 'એચ' કલર અને વીએસટુ કલેરીટી મેળવી છે. અત્યાધુનિક લેબમાં કેમિકલ વેપર ડીપોઝીથન (CVD) પધ્ધતિથી ઉત્પાદન થયેલા 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા'એ ગુણવત્તાના તમામ રેકોર્ડ તોડી કાઢયા છે. ભારત માટે આ ગર્વ લેવા જેવી બાબત છે કે ચીનને પછાડીને વિશ્વનો સૌથી મોટો ૩૦.૧૮ કેરેટનો લેબગ્રોન ડાયમંડ ભારતના સાહસિકે ઘડી કાઢયો છે.

હવે આ જગપ્રસિધ્ધ 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ને ઇથીરીયલ ગ્રીન ડાયમંડ અમેરિકાના લાસ વેગાસ ખાતે ૧૦ જુનથી શરૂ થઇ રહેલા એકઝીબિશનમાં પ્રસિધ્ધ કરી રહી છે. નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપીત કરેલા ૩૦.૧૮ કેરેટના લેબગ્રોન ડાયમંડના સમાચાર ડાયમંડ વર્લ્ડમાં ચારે બાજુ વાયુવેગે પ્રસરી જતા હવે આ 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ને જોવા માટે ભારે પૂછપરછ થઇ રહી છે.

અમેરિકાના લાસ વેગાસ ખાતે જેસી કે (JCK) એકઝીબિશનમાં 'પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ડાયમંડ બુથ નંબર ૮૧૩૫ ખાતે લોકો નીહાળી શકે છે.

(7:00 pm IST)