Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સી.આર.પાટીલ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન જથ્થો ક્યાંથી આવ્યો ? : સર્વત્ર ચર્ચાતો સો મણનો સવાલ

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વીજી સોમાણીએ સ્ફોટક પત્ર લખ્યો : ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચજી કોશિયા સામે ટૂંક સમયમાં મોટા પગલાં લેવાય તેવા એંધાણ

કોરોના સંક્રમણ સમયે અતિ મહત્વના કહેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થા અંગે ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે આખો મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. રાજ્યમાં આ ઇન્જેક્શનના કાળાબજાર અને સંગ્રહાખોરી થઇ રહી હોવાના અહેવાલ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરતમાં વહેંચેલા 5000 ઇન્જેક્શન વિપક્ષની ટીકાને પાત્ર બન્યાં છે.

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આટલો મોટો જથ્થો પાર્ટીના કાર્યાલયમાં ક્યાંથી આવ્યો તેની તપાસ થશે કે કેમ તેની શંકા છે. જો તપાસ થશે તો પણ ભીનું સંકેલવામાં આવવાની સંભાવના એટલા માટે છે કે ઇન્જેક્શનના જથ્થાનો સંગ્રહ કરવાનો આરોપ ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર લાગેલો છે.

રાજ્યભરમાં લોકો તેમના સ્નેહીજનોને બચાવવા માટે રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે પડાપડી કરી રહ્યાં છે ત્યારે ભાજપના કાર્યાલયમાં તે વહેંચવામાં આવી રહ્યાં છે. લોકોના પ્રત્યાધાત એવાં છે કે અમને ઇન્જેક્શન મળતા નથી ત્યારે ભાજપના નેતાઓ ખુદ પાર્ટીના કાર્યાલય પર ઇન્જેક્શનનું વિતરણ કરી રહ્યાં છે.

ગુજરાતમાં સરકારી દાવા વચ્ચે ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તે હકીકત છે. ઝાયડસ હોસ્પિટલે પણ આ ઇન્જેક્શનનું વિતરણ બંધ કર્યું છે. સરકાર પુરતો જથ્થો હોવાની બડાઇ મારી રહી છે પરંતુ દર્દીઓ માટે લોકોને આખા દિવસની રઝળપાટ છતાં ઇન્જેક્શન મળતું નથી. ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછતનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે.

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વીજી સોમાણીએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચજી કોશિયાને સ્ફોટક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઇન્જેક્શનની અછતનો ઉલ્લેખ કરી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે.

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના સોમાણીએ જણાવ્યું કે ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઇન્જેક્શનની મોટા પાયે અછત પ્રવર્તી રહી છે. રેમડેસિવીર ઇન્જેક્શનની અછતને કારણે ઇન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી થઇ રહી છે. આ પત્ર બાદ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચજી કોશિયા સામે ટૂંક સમયમાં મોટા પગલાં લેવાય તેવા એંધાણ છે.

એચજી કોશિયાની નીતિ અને મિસમેનેજમેન્ટના કારણે ગુજરાતની સામાન્ય જનતા અને સરકાર બંને પરેશાન છે. પાર્ટીના કાર્યાલય પર વહેંચાઇ રહેલા ઇન્જેક્શન બાબતે કોશિયા ચૂપ બેઠાં છે ત્યારે દિલ્હીથી તેમના પર તવાઇ આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તો એમ કહી આ ઘટનાનો છેદ ઉડાવી દીધો હતો કે સુરતમાં પાર્ટીના કાર્યાલય કમલમમાં ઇન્જેક્શન વહેંચાયા છે તે ક્યાંથી આવ્યા છે. આ અંગે પાર્ટી પ્રમુખ સીઆર પાટીલ જ કહી શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેકશનની અછત વચ્ચે ગુજરાતમાં આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. આખા માર્ચ દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીરનો ઉપયોગ થયો છે. જ્યારે એપ્રિલના આ નવ દિવસોમાં જ 1,70,738 ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાવાયા છે.

સીએમ અને ડે.સીએમની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઈન્જેકશન્સની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન ચાર લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે.

(11:55 pm IST)