Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દેશમાં પ્રતિભાઓની કમી નથી પરંતુ તેઓને અવસરની જરૂર છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા જરૂરતમંદ ૧૦૦૦ બાળકોને સ્કોલરશીપ સાથે આશીર્વાદ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે અમદાવાદની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા દેશભરમાંથી પસંદ કરેલા એક હજાર જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સાથે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, દેશમાં પ્રતિભાઓની કમી નથી. પરંતુ અવસરના અભાવે આવી પ્રતિભા પાંગરતી નથી. યુવા અનસ્ટોપેબેલ સંસ્થા ને કોર્પોરેટ જગતના સહયોગીઓ દ્વારા આવી પ્રતિભાઓને શોધીને તેમના વિકાસ માટે જે સહયોગ આપવામાં આવે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. તેમણે યુવા અનસ્ટોપેબેલ સંસ્થાના સ્થાપક  અમિતાભ શાહ અને તેમના ધર્મપત્ની મતી રશ્મીબેન શાહનો આવા શ્રેષ્ઠ કાર્ય બદલ આભાર માન્યો હતો.

રાજ્યપાલએ આ તકે જણાવ્યું હતું કે, સમાજના જરૂરતમંદ પ્રતિભાશાળી બાળકોને પોતાના બાળકની જેમ સુવિધા આપવી તેમના ઉત્કર્ષની ચિતા કરવી એ ઇશ્વરીય કાર્ય છે. આ ઇશ્વરીય કાર્ય કરનારા  અમિતાભ શાહ અને તેમના સહયોગીઓ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણનું રાષ્ટ્ર કાર્ય કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા રૂપિયા બે લાખથી ઓછી આવક

ધરાવનારા પરિવારોના દેશભરના ૧૦ હજાર બાળકોની પ્રતિભા કસોટી લઇને તેમાંથી ધો. ૧૦માં ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનારા એક હજાર બાળકોની પસંદગી કરી ધો.૧૧થી કોલેજ શિક્ષણ સુધીના છ વર્ષે સુધી આર્થિક સહાય અને મેન્ટર બનીને બાળકોના સર્વાગી વિકાસની જવાબદારી સ્કોલરશીપ સ્વરૂપે સ્વીકારી છે. તેમના આ કાર્યમાં દેશભરના કોર્પોરેટ જગતના મહાનુભાવોનું આર્થિક યોગદાન મળી રહે છે. રાજ્યપાલએ આ દાનશ્રેષ્ઠોઓને બિરદાવીને વિદ્યાદાનથી કોઇ દાન મોટું નથી એમ પણ જણાવી સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓને કઠોર પુરૂષાર્થ દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિ બનવા અનુરોધ કરી શુભકામનાઓ પાઠવી હતી.

(8:16 pm IST)