Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વડાલીના કંજેલી કંપા ગામે વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણોસર બે તાર અથડાતા ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાખ: ખેડૂતની હાલત કફોડી

વડાલી:તાલુકાના કંજેલી કંપા ગામે માલપુરથી વાસણ જવાના રોડ ઉપર કંજેલી કંપા ગામની સીમમાં શાંતિલાલ દેવજીભાઈ પટેલનું ખેતર આવેલું છે. શાંતિભાઈ પટેલે પોતાના સાત વિઘાના ખેતરની અંદર ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉં તૈયાર થઈ ખેતરમાં ઉભા હતા ત્યારે શુક્રવારે બપોરે એક વાગ્યાના સુમારે ખેતરમાંથી પસાર થતી વીજતારમાં પવનના કારણે એકબીજા સાથે અથડાતા અને સ્પાર્કથતા અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા ખેતરમાં આગ પ્રસરી હતી. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં આજુબાજુમાંથી સ્થાનિક લોકો તેમજ અન્ય ખેડૂતો દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગના કારણે ખેડૂતોને ત્રણ વીઘામાં તૈયાર થયેલા ઘઉંનો સંપૂર્ણ પાક બળી ગયો છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તાલુકામાં આગની ઘટનાઓ બનવાના કિસ્સા પ્રકાશમાં આવે છે વીજ કંપની દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતાં પહેલા આવી ઘટનાઓ બાબતે અગમચેતીના પગલા લેવામાં આવતા નથી જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. ચાલુ સિઝનમાં છેલ્લા એક સપ્તાહમાં આવી આગના બેથી ત્રણ કિસ્સા તાલુકામાં બનવા પામેલ છે.

(4:44 pm IST)