Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

નાની ઢોલ ડુંગરી ખાતે પુત્ર દ્વારા પિતાની આંખોમાં મરચાની ભૂકી છાંટી ઢોર માર મરાયો

ધરમપુર : નાની ઢોલ ડુંગરી (ધરમપુર) ખાતે છુટાછેડા પછી બે દિકરા સાથે માવતરનાં ઘરે રહેતી માતાને ઠપકો આપનાર પિતાજીની આંખોમાં પુત્ર દ્વારા મરચાની ભુકી છાંટી અને ઢોર માર મારવાની ઘટનાની ફરીયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.

ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામના જલારામ ફળિયામાં રહેતા હરેશ મોતીભાઇ પટેલ (..૪૪)ને તેની પત્ની સાથે અણબનાવ થતાં, ત્રણેક વર્ષ અગાઉ છૂટાછેડા થયાં હતાં. જે બાદ તેઓના બે પુત્રો રૃપેશ, (..૧૯) અને વિરલ (..૧૫) સાથે પત્ની પોતાના પિયરમાં રહેવા ચાલી ગઇ હતી. ગત તા.૫મીએ હરેશ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તે વેળા પોતાના સાસરામાં, તેઓના ટેમ્પોની ચાવી માંગવા ગયાં હતાં. તે સમયે હાજર ઘરના સભ્યો પૈકી, તેમના મોટા પુત્ર દિપેશએ, અગાઉ માતા તેમના સસરાની પરજણવિધિમાં ગયેલા ત્યારે પિતાએ આપેલા ઠપકાની અદાવત રાખી, પિતા હરેશભાઇના આંખમાં મરચાંની ભૂકી નાંખીને ઢોર માર માર્યો હતો. તેથી પિતા હરેશભાઈના હાથ તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

ત્યારબાદ હરેશ પટેલને ૧૦૮માં સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં સારવાર લીધી બાદ, પિતાએ શનિવારે પોતાના પુત્ર વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(11:09 pm IST)