Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ

ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ઘરફોડ ચોરી કરાઇઃ ઘરફોડ ચોરીના સાધન સાથે જબ્બે ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યોની પુછપરછમાં નવી વિગત ખુલે તેવી શક્યતા

અમદાવાદ,તા.૧૦, ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ચડ્ડી બનિયાનધારી ગેંગના બે આરોપીઓને પકડી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે. ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સભ્યોની પાસેથી ઘરફોડ ચોરીના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેના આધાર ઉપર નવી વિગત ખુલે તેવી પણ સંભાવના છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બાતમી બાદ જાળ બિછાવી હતી. ઝડપાયેલા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમા એક ૨૨ વર્ષીય નરેશ સવસીંગભાઈ કટારા છે. જે દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતેનો છે. જ્યારે અન્ય ૨૦ વર્ષીય શૈલેષ રતનસિંહ કટારા છે. જે પણ દાહોદ જિલ્લાનો પણ છે. બંને એક જ વિસ્તારના હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા શખ્સો પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો લોખંડનું ખાતરીયુ, લોખંડનો સળીયો, નાનુ મોટુ ડિસમિસ, પકડ સાથે મળી આવતા તેમની પુછપરછ હાથ ધરાઈ છે. જુદી જુદી કલમો હેઠળ તેમની સામે કેસ નોધીને તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓની પુછપરછ કરવામાં આવતા નવી વિગતો ખુલી હતી. માહિતી મુજબ તેમની સાત સભ્યોની ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. આ તમામ આરોપી જેસાવાડા ખાતે આવેલા તળાવની પાળ ઉપર બિરયાની હોટલ આવેલી છે ત્યાં ભેગા થઈને કઈ જગ્યાએ ચોરી કરવા જવું તે અંગે નિર્ણય કરતા હતા. ગેંગ પૈકીના એક બે આરોપી પહેલાથી જ જે શહેરમાં ઘરફોડ કરવાનો પ્લાન હોય તે જગ્યાએ એકાદ દિવસ પહેલાજ પહુંચી જાય છે અને દિવસ દરમ્યાન જે જગ્યાએ ચોરી કરવાની છે ત્યાર ટારગેટ નક્કી કરતા હતા. ત્યારબાદ બાકીના સાથીઓને પણ બોલાવી લેતા હતા. ઘરફોડ ચોરીમાં સામેલ રહેલા શખ્સો ગામના કે સગા જે કોઈ પણ આ ગામ કે શહેરમાં મજુરી કરતા હોય તેમના ઘરે અથવા બસ સ્ટેશન કે પુલ નીચે રોકાઈ જતા હતા. આ તમામ આરોપીઓ દાહોદથી જે તે શહેરમાં એસટી બસ મારફતે પહોંચી જતા હતા. ઘરફોડ કરવા જતી વખતે પોતાના બુટ કે ચંપલ ટારગેટની નજીકમાં કોઈ ઝાડની નીચે ઉતારી દેતા હતા. તેમજ શર્ટ કી ટીર્શટ કાઢીને કમરે બાધી દેતા હતા. તેમજ પેન્ટને ઉપર તરફ વાળી દઈને ચટ્ટી બનાવી રાખતા હતા. ઘણી વાર શરીર ઉપર રાયનું તેલ લગાવી રાખતા હતા. આમ કરવા પાછળનું કારણ કપડા કોઈ તાર, વાડ કે અણીદાર જગ્યાએ ભરાઈ નહી તેમજ કોઈ પકડી શકે નહી. ઘરફોડ કરતી વખતે અથવા તો કરવા જતી વખતે કોઈ મકાન માલીક કે ચોકીદાર જાગી જાય અથવા તો અવાજ કરે તો તેને મારવા માટે સાથે રસ્તામાંથી પથ્થરો લઈ રાખતા હતા. ઘરફોડ ચોરી કરનાર ટોળકીને આ મોડસ ઓપરેંડી હતા. આ લોકોએ અનેક જગ્યાઓએ ચોરી કરવાની વિગત ખુલી છે. આરોપીઓએ કુલ ૫૨ જગ્યાઓએ ચોરી કરી હોવાની વિગત મળી છે. આ લોકોએ બોપલમાં ૨, વડોદરા શહેરમાં ૧૮, દાહોદમાં ૩, મહેસાણામાં ૫, અંજારમાં ૫, આદીપુરમાં ૫, ભુજમાં ૪, હળવદમાં ૩, વિજાપુરમાં ૨, બારડોલીમાં ૩, કરજણમાં ૨ મળી ૫૨ ગુનાઓ કર્યા છે. તેમની પુછપરછના આધારે અન્યોની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

(11:23 pm IST)