Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કલોલના દંતાલીમાં જમીન પ્રશ્ને ઝઘડામાં સ્વબચાવ માટે ફાયરીંગઃ હુમલાખોરો નાસી ગયા

રાજકોટઃ કલોલના દંતાલીમાં જમીનની તકરારમાં ફાયરીંગ થયું હતું. રાત્રે એક નિવૃત આઇપીએસ અધિકારીના પુત્રએ પોતાની પર થયેલ હુમલામાં સ્વ બચાવ અર્થ હવામાં ફાયરીંગ કરતા હુમલાખોર ભાગી છૂટયા હતા.

ફાયરીંગની જાણ થતા સાંતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ.

દંતાલી ગામે કેનાલ તરફ એક નિવૃત આઇપીએસ અધિકારીનું ગુરૂદયાલસિંગનું ફામે (તબેલો) આવેલ છે. તેના ફામેની નજીકમાં બળદેવ દેસાઇ તથા લાલજી દેસાઇનું પણ ફાર્મ આવેલ છે. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન બાબતે તકરાર ચાલુ છે. અંતરંગસૂત્રોના જણાવ્યા મુજબ તેઓ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. આમછતા આંતરીક વિખવાદ શમ્યો ન હતો. એવામાં સાંજ સંબંધિત નિવૃત અધિકારીનો પુત્ર અમદાવાદ ગોયલ ઇન્ટરસીટી વસ્ત્રાપુર ખાતે રહેતો અમનદીપ ગુરૂદયાલસિંગ વડાલીયા પોતાની કાર લઇ પોતાના ફામે પર આવી રહ્યો હતો. ત્યારે કેટલાક ગોપાલક ઇસમોએ રસ્તા વચ્ચે ગાડીઓની આડશ મૂકી તેની ગાડી અટકાવી હુમલો કર્યો હતો.

હુમલાખોર ઇસમોએ આક્રોશમાં ગાડી પર લાકડીથી પ્રહાર કરી કાચ તોડી નાખ્યા હતા. એકાએક થયેલ આ હુમલાથી ભયભીત અમનદીપ ગાડીમાં જ બેસી રહ્યો હતો. પરંતુ મામલો પોતાના જીવ પર આવી જતાં આ શખ્સે આખરે ગાડીમાંથી બહાર નીકળી પોતાની પાસે રહેલ રીવોલ્વરથી સ્વ બચાવ અર્થે હવામાં ફાયરીંગ કર્યુ હતુ. હવામાં ફાયરીંગ થતાં જ હુમલાખોરો ત્યાંથી ભાગી છુટયા હતા.

કલોક તાલુકાનાં ખાખરીયા પટ્ટાની કિંમતી જમીનોમાં અમદાવાદના નામી બિલ્ડસે, ઉદ્યોગપતિઓ તથા સરકારી અધિકારીઓએ રોકાણ કરેલ છે આ કિંમતી જમીનોને લઇ અનેક વિવાદ ઉભા થયેલ છે ત્યારે આ વિવાદોને લઇ સમયાંતરે મારામારી અને તકરારના બનાવો રહ્યા છે જેમાં કેટલાક પોલીસ ચોપડે નોંધાય છે કેટલાકનું બારોબાર સમાધાન થઇ જાય છે. સાતેક વર્ષે અગાઉ ખાખરીયા વિસ્તારમાં જમીનને મુદ્દે ફાયરીંગની ઘટના ઘટી હતી. ગઇકાલે રાત્રે ફરી વધુ એક ફાયરીંગની ઘટનાએ પોલીસતંત્રને દોડતું કરી મૂકયું હતું. સાંતેજ પોલીસે અમનદીપ વડાલીયાની ફરીયાદ અન્વયે સોમાભાઇ રબારીના પુત્ર કિરણ તથા બળદેવ મફાભાઇ રબારીના પુત્ર લાલા અને તેઓની સાથે રહેલ અન્ય પાંચ ઇસમો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:52 pm IST)