Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મોબાઇલ ફોનની લૂંટ કરનારી ટોળકી ઝડપાઇ : ૧૫ ફોન જપ્ત

બાઇકર્સ ગેંગના ત્રણ સભ્યો આખરે ઝડપાયા : બાઇકર્સ ગેંગના સભ્ય પાસેથી બે બાઇક પણ કબ્જે કરાઈ

અમદાવાદ,તા. ૧૦ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાહદારીના હાથમાંથી મોબાઇલની લૂંટ કરનાર બાઇકર્સ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં સાઇબર ક્રાઈમ બ્રાંચે સફળતા હાંસલ કરી છે. સાઇબર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઝડપાયેલા સભ્યો પાસેથી ૧૫ મોબાઇલ ફોન અને બે બાઇક પણ કબ્જે કરી છે. ક્રાઈમ બ્રાંચની આ સફળતાને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. શહેરમાં રસ્તે જતી વેળા મોબાઇલ ફોન ઉપર ઘણા લોકો વાતચીત કરતા રહે છે. આવા લોકોને ટાર્ગેટ બનાવીને બાઇકર્સ ગેંગના સભ્યો લૂંટ કરતા હતા. બાઇક ઉપર આવી મોબાઇલ ફોનની લૂંટની ઘટના હાલના સમયમાં વધી રહી હતી. શહેરમાં આ પ્રકારના બનાવોમાં એકાએક વધારો થયો બાદ સાઇબર ક્રાઈમ બ્રાંચની ટૂકડીના અધિકારી સક્રિય થઈ ગયા હતા અને જાળ બિછાવી હતી. ચૌક્કસ બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ચાણક્યપુરી વિસ્તારમાં ઉઠી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાઇકર્સ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામની ઓળખ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા શખ્સો ૧૯ વર્ષીય સની શ્રીવાસ્તવ, નાગરેસ, રામબરમ અને હિતેશ પંચાલ તરીકે ઓળખાયા છે. પોલીસે તેમની પાસેથી ૧૫થી વધુ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. પુછપરછ દરમિયાન આ શખ્સોએ કહ્યું હતું કે, તેઓ રસ્તા પર ચાલતી જતી વ્યક્તિને ટારગેટ બનાવતા હતા. જુદા જુદા વિસ્તારમાંથી મોબાઇલની લૂટ કરવામાં આવી હતી.વાડજ વિસ્તારમાંથી ૩ અને સોલા વિસ્તારમાંથી ૨ મોબાઇલની લૂંટ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી વધુ વિગત ખુલ્યા બાદ વધુ ફોન જપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે. બાઇકર્સ ગેંગના અન્ય સભ્યો પણ હોવાની વિગત મળી છે. તેમની તપાસ ચાલી રહી છે.

(8:13 pm IST)