Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બ્રિટીશ શાસનકાળથી ડાંગના રાજવીઓને અપાતા પેન્શનમાં વધારો કરવા માંગણી

ડાંગઃ ડાંગના રાજાઓને રાજાશાહીના સમયથી આપવામાં આવતા વાર્ષિક રાજકીય સાલીયાણાને વધારવા માટે માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ડાંગ જીલ્લાની ઐતિહાસિક લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે.

ખાસ કરીને સ્થાનિક રાજાઓ જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજયપાલ પોતાના વરદ હસ્તે સન્માનિત કરી મોંદ્યી ભેટ સોગાદો આપે છે. વાર્ષીક રાજકીય સાલિયાણું એટલે કે પોલીટીકલ પેન્શન આપતા હોય છે. ત્યારે આ વર્ષે આગામી ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દરબારની જાહેરાત થઈ ગઈ છે. જોકે સરકાર દ્વારા ડાંગના રાજવીઓને જે પોલીટીકલ પેન્શનની રકમ આપવામાં આવે છે. તેમાં વધારો કરવાની રાજાની માંગ હજુ સ્વીકારવામાં આવી નથી. ત્યારે આ પોલીટીકલ પેન્શન વધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા સરકારને રજુઆત પણ કરવામાં આવી છે.

ડાંગના રાજાએ સરકારને પોતાના કરોડોની સંપતી એવા અનમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી. આ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ કફોડી બની ગઈ છે. જેના કારણે વર્ષોથી મળતા સન્માનને લઇને આજે આ રાજાઓ ચિંતામાં મુકાયા છે.

એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્ક્રૃતીક વારસો છે. જયારે બીજી તરફ પારીવારીક જવાબદારી, આ બંન્નેમાંથી હવે રાજાઓએ કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પરીસ્થિતી ઉભી થઈ છે.

વખતો વખત રાજાના પોલિટીકલ પેંશનમા વધારો થાય છે પરંતુ એ સંતોષજનક નથી. શરુઆતમા ચાંદીના સીક્કાની કિંમત જેટલું પેંશન આપવામાં આવતું હતું

આજે પણ જો ચાંદીના સીક્કાની કિંમત અનુસાર પેંશન આપવામા આવે તો ૫૦ હજાર જેટલી રકમ દરેક રાજાને આપવાની થાય પણ આજે વર્ષો બાદ પણ રાજાને પાંચ હજાર રુપીયા માસીક પેંશન આપવામાં આવે છે. જે પેન્શન ખુબ જ ઓછું હોય જે પેન્શન વધારવા અંગે ડાંગના રાજાઓએ અનેક વાર રજુઆતો કરી છે. આમ, છતાં હજુ તેમના આ પેન્શનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

બ્રિટીશ શાસનકાળમા ડાંગના રાજવીઓને સાલિયાણુ ચાંદીના સિક્કા સ્વરૂપે મળતુ હતું. ત્યારબાદ આઝાદી પછી ૧૯૫૪ થી ૧૯૮૩ સુધી રાજાઓને ૮૮૩ રૂપિયાનુ સાલિયાણુ સરકાર તરફથી વાર્ષીક રાજકિય પેંશન રૂપે અપાતું હતું. જેમાં ઉત્ત્।રોત્ત્।ર વધારો થતાં આજે આ વાર્ષીક રાજકિય પેંશનની રકમ માસિક ૫ હજાર પર પહોંચી છે. જે રકમ ઉપરાંત રાજયપાલ પોતે આ રાજાઓને ભેટ સોગાદો આપી સન્માનિત કરે છે. વર્ષમાં એક દિવસ મળતા સન્માનને લઇને આ રાજાઓ હવે દુવિધામાં મુકાયા છે.

(5:12 pm IST)