Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કારની ટક્કરથી ફંગોળાયેલ વિદ્યાર્થી બસ નીચે કચડાયો

બોપલ-ઘુમા રોડ પર બનેલા બનાવથી સનસનાટી : સાયકલ લઇને જતાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત રોષે ભરાયેલા લોકોએ સમગ્ર વિસ્તારમાં બસો બંધ કરાવી

અમદાવાદ,તા. ૯ : શહેરના બોપલ-ઘુમા રોડ પર આજે સવારે સાયકલ પર જઇ રહેલા એક વિદ્યાર્થીને પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારતી મહિલાએ અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી તેને જોરદાર ટક્કર મારી હતી, કારની ટક્કરથી ફંગોળાયેલો વિદ્યાર્થી આગળ જતી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી જતાં કચડાઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. વિદ્યાર્થીના કરૂણ મોતથી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલા લોકોએ એક તબક્કે આ વિસ્તારમાંથી પસાર થતી એએમટીએસ બસો બંધ કરાવી હતી, જેને લઇ વાતાવરણ પણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાં બોપલ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રહેતો અને દેવાશિષ સ્કૂલમાં ધોરણ-૭માં અભ્યાસ કરતો સમીર શર્મા નામનો વિદ્યાર્થી આજે સવારે ઘુમા તરફથી પોતાની સાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બોપલ ઇન્ડિયા કોલો ચાર રસ્તા પાસે પાછળથી પૂરપાટ ઝડપે કાંર હંકારીને આવેલી મહિલાએ પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી સાયકલ પર જઇ રહેલા નિર્દોષ વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી, કારની અચાકન ટક્કરથી વિદ્યાર્થી ફંગોળાયો હતો અને ઉછળીને આગળ જઇ રહેલી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી ગયો હતો અને કચડાઇ ગયો હતો. ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજીબાજુ, નિર્દોષ વિદ્યાર્થીના કરૂણ મોતના સમાચાર જાણી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલો લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર અને હંગામો કરી સમગ્ર વિસ્તારમાં બસો બંધ કરાવી હતી, સ્થાનિકોએ માંગણી કરી હતી કે, બીઆરટીએસના કારણે રોડ સાંકડા કરી દેવાયા છે અને તેના કારણે સર્જાતા આવા અકસ્માતનો ભોગ નિર્દોષ નાગરિકો બને તે સાંખી શકાય નહી. દરમ્યાન બોપલ પોલીસને ઘટનાની જાણ થતાં તે પણ ત્યાં દોડી આવી હતી અને મામલો શાંત પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી મહિલા કારચાલક અને એએમટીએસ બસના ડ્રાયવર વિરૂધ્ધ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની સાથે સાથે...

*    બોપલ-ઘુમા રોડ પર અકસ્માતમાં વિદ્યાર્થીના કરૂણ મોતથી તંગદિલી ફેલાઈ ગઈ

*    મહિલાએ કારની ટક્કરથી બાળકને ઉડાવી દેતા લોકોમાં નારાજગીનું મોજુ ફેલાયું

*    કારની ટક્કરથી ફંગોળાયેલો વિદ્યાર્થી બસની નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત થતાં લોકોમાં રોષ

*    સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરાયેલા લોકોએ એએમટીએસની બસોને બંધ કરાવી

*    મૃત્યુ પામેલ દેવાશિષ સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો

*    સમીર શર્મા તરીકે ઓળખાયેલો વિદ્યાર્થી ઘુમા તરફથી સાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે કાર ચાલક મહિલાએ ટક્કર મારી હતી

(8:26 pm IST)
  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST