News of Friday, 9th February 2018

હાર્દિક ફરી આંદોલન કયાંથી શરૂ કરશે, કયા મુદ્દા હશે, લોકોનો કેવો પ્રતિસાદ મળશે? આઇબી દ્વારા ખાનગીમાં સર્વે

આંદોલનની જાહેરાતથી ગાંધીનગર ચોંકયું: માંડ માંડ નિરાંતનો શ્વાસ લેનાર પોલીસ તંત્ર પણ નવી ઉપાધીથી ભારે મુંઝવણમાં

રાજકોટ, તા., ૯: પાટણના ચાણસ્મા  અને સિધ્ધપુર ખાતે પોતાની સામેની આચારસંહિતા ભંગ બદલની ફરીયાદ સંદર્ભે પોલીસ મથકમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે એક માસ બાદ રાજય સરકાર સામે ફરીથી આંદોલનનો ધમધમાટ શરૂ કરવાની જાહેરાત કરતા જ ગાંધીનગર ચોંકી ઉઠયું છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશો મુજબ હાર્દિક પટેલનું આંદોલન કેવા પ્રકારનું રહેશે?  આંદોલન કયાંથી શરૂ થશે? આંદોલનમાં કયા મુદ્દાનો સમાવેશ થશે? લોકોમાંથી આંદોલનને કેવો પ્રતિસાદ મળશે? વિગેરે બાબતે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પોતાના રાજયભરના યુનીટો મારફત ખાનગીમાં સર્વે ચાલી રહયાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળે છે.

બીજી તરફ વિધાનસભાની ચુંટણીઓ, સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ, વિવિધ સરકારી ઉત્સવો, પતંગ ઉત્સવ વિગેરેમાંથી માંડ માંડ નિરાંતનો શ્વાસ લેનાર રાજયભરના પોલીસ તંત્રને પણ નવેસરથી હાર્દિક પટેલના બંદોબસ્તને કારણે ટાંટીયા તોડ કરવી પડશે તેવી ભીતી આગોતરી સતાવી રહી છે. પોલીસ સ્ટાફ હવે રજાઓમાં કાપ આવશે, ફરજનો સમય નિશ્ચિત નહિ રહે તેવી ભીતીથી મુંઝાઇ રહયો છે.

અત્રે યાદ રહે કે, વિધાનસભા ચુંટણીઓ સહિતની ચુંટણી, રોડશો અને સરકારી કાર્યક્રમોની હારમાળાને કારણે પોલીસ તંત્ર લાંબા સમયથી શારીરીક-માનસીક રીતે થાકી ગયું છે. પોલીસનું મનોબળ વધે તે માટે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જેવા અનુભવી અધિકારીઓએ પોતાના સ્ટાફને શરીરીક-માનસીક આરામ મળે તે માટે વારાફરતી રજાઓ મંજુર કરી  પોલીસનુંં મનોબળ ન તુટે તેવા સઘન પ્રયાસો કર્યા હતા.

દરમિયાન હાર્દિક પટેલે એવું જણાવ્યું હતુ કે મારી પર આચારસંહિતાના ખોટા કેસ કરવામાં આવ્યા છે. હું કોઇ રાજકીય નેતા નથી કે મારી સામે આચારસંહિતા ભંગના કેસ થાય? તેઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવેલ કે એક તરફ પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાની જાહેરાતો સરકાર કરે છે. બીજી તરફ વધુને વધુ કેસો નોંધતી જાય છે. આ બાબતે ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન આચારસંહિતા ભંગ મામલે ચાણસ્મા પોલીસ મથકમાં હાર્દિક પટેલ હાજર રહયો ત્યારે ધારાસભ્ય કીરીટ પટેલ સહિતના મોટી સંખ્યામાં હાજર પાટીદારોએ હાર્દિકનું સ્વાગત કરેલ. પોલીસ મથકમાં હાથમાં સ્લેટ પકડાવી આરોપી તરીકે હાર્દિકના ફોટા પડાયાનું પણ સુત્રો જણાવે છે. (૪.૯)

(1:38 pm IST)
  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST